Gujarat Lifestyle

નવસારી/દલિત અને રાજપૂત સમાજના બે જૂથો વચ્ચે પથ્થરમારામાં 4ને ઇજા, જાણો ઝઘડાનું કારણ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરંભે પડી છે. જો કે નાની નાની બાબતોમાં ઝઘડા હવે સામાન્ય બની ગયા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારીના વિજલપોર વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે ભારે અથડામણ થઇ હતી. બે જૂથના ટોળા સામ સામે ધસી આવતા પથ્થરમારો થયો હતો, જેને રોકવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

બે બાઇક વચ્ચે ટક્કર થતાં બે જુથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો.

ઘટનામાં એક પોલીસ જવાન સહિત 4 લોકોને ઇજા પહોંચી

પ્રાપ્ત વિગતો મુજબ, નવસારીના વિજલપોરમાં મોડી સાંજે બે સમાજના જૂથ વચ્ચે અથડામણ થતાં તંગદિલીભર્યું વતાવરણ સર્જાયું છે. પોલીસે ઘટના સ્થળે ધસી જઇ રોડ ઉપર ઉતરી આવેલા હજારો લોકોને દૂર કરવા 25 જેટલા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. બે બાઇક વચ્ચે ટક્કર થયા બાદ બંને જૂથ વચ્ચે મારામારી અને પછી પથ્થર મારો થતા વાતાવરણ બગડ્યું હતું, જેને પગલે દલિત સમાજ અને રાજપૂત સમાજના લોકો સામસામે આવી ગયા હતા.

આ ઘટનામાં 4 લોકોને ઇજા પહોંચી હતી જ્યારે એક પોલીસ જવાન પણ ઘાયલ થયાની માહિતી મળી છે.સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો વિજલપોરમાં ખડકી દેવાયો છે. આ ઘટના સમયે પોલીસની ગાડી પર પથ્થરમારો થયો હતો. વિજલપોરના આંબેડકરમાં રહેતા યુવાન અને શિવાજી નગરમાં રહેતા યુવાનની બાઇક વચ્ચે ટક્કર લાગતા મામલો બીચકયો હતો.