EDUCATION Gujarat Politics

ભાવનગર/ જીતુ વાઘાણી બાદ હવે સંઘના આ નેતાનો પુત્ર કોપી કેસમાં ઝડપાયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ચૂંટણી દરમ્યાન હરીફ પક્ષોને હંફાવવામાં માહેર બની ગયેલ ભાજપ અને રા.સ્વ.સંઘને યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન નેતાઓના સંતાનો તેમને નીચું જોવું પડે તેવી સ્થિતિમાં મૂકી દેતા હોય છે. જોકે થોડાક સમય અગાઉ ભાજપના પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર પરીક્ષામાં ચોરી કરતાં ઝડપાયો ત્યારે ભારે હોહા મચી ગઈ હતી. જેથી વાઘાણી ભારે શર્મસાર થયા હતા અને પુત્રની પરીક્ષાથી બાકાત રાખવાની જાહેરાત કરવી પડી હતી.

 

ત્યારે હવે એકવાર પુનઃ એ જ કોલેજમાંથી સંઘના વિભાગ સરકાર્યવાહનો પુત્ર પણ કોપીકેસમાં ઝડપાયો છે.મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં પરીક્ષામાં એમ.કોમ. પાર્ટ-1ની પરીક્ષામાં સોમવારે તુષાર વ્યાસ નામનો વિદ્યાર્થી ઘરેથી લખીને લાવેલી ઉત્તરવહી સાથે ઝડપાતાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તુષાર વ્યાસ રા.સ્વ.સંઘના વિભાગ સરકાર્યવાહ મહેશ વ્યાસનો પુત્ર હોવાથી ભીનું સંકેલવા માટે ભાજપ અને સંઘ પરિવારના અગ્રણીઓએ દિવસભર દોડધામ કરી હતી.

પકડાયેલ તુષાર વ્યાસ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે એમ.જે.કોમર્સ કોલેજમાં જ ફરજ બજાવતો હોવાનું જાણવા મળે છે. રેગ્યુલર પરીક્ષામાં તેણે સુપરવિઝન પણ કર્યું હતું. વિઝિટિંગ ફેકલ્ટી હોવાના કારણે સપ્લિમેન્ટ્રી મેળવીને ઘરેથી જ તેમાં જવાબો લખીને લાવ્યો હતો. આ સમગ્ર ઘટના દર્શાવે છે કે ભાવનગર યુનિવર્સિટીમાં કેટલી હદે લાલિયાવાડી અને લાગતાં-વળગતાંઓની મનમાની ચાલી રહી છે.