Editorial Gujarat Politics

પરિણામો બાદ રૂપાણી સરકારમાં સૌરાષ્ટ્રની નેતાગીરીનો દબદબો યથાવત રહેશે કે ઘટશે ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : હાલમાં ગુજરાત માં  મુખ્યમંત્રી થી લઇને પક્ષ પ્રદેશ પ્રમુખ સુધીના  અનેક નેતાઓ મોટાભાગે સૌરાષ્ટ્રના છે  ત્યારે લોકસભાની ચૂંટણીના પરિણામ પછી ગુજરાતમાં ભાજપમાં સંગઠન અને સરકારમાં મોટો ફેરફાર થવાની માહીતી સૂત્રો દ્રારા પ્રાપ્ત થઈ છે.લોકસભાની ચૂંટણી પરિણામો બાદ ભાજપ સરકાર અને સંગઠનમાં  સૌરાષ્ટ્રનો દબદબો ઘટી જશે,જ્યારે ઉત્તર ગુજરાતનો દબદબો વધી શકે છે.

પ્રાપ્ત માહીતી મુજબ, લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની તમામ ૭ બેઠકો ભાજપને મળેલ. ધારાસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં ધરખમ નુકશાન થયેલ. કુલ ૫૪ પૈકી સૌરાષ્ટ્ર-કચ્છની ૩૧ બેઠકો કોંગ્રેસને અને ૨૨ બેઠકો ભાજપને મળી હતી.ગુજરાતમાં અત્યારે સંગઠન અને સરકાર સૌરાષ્ટ્ર કેન્દ્રીત ગણાય છે. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સૌરાષ્ટ્રના છે. બે કેન્દ્રીય મંત્રીઓ પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ સૌરાષ્ટ્રમાંથી છે.

સૌરાષ્ટ્રના અન્ય એક અગ્રણી ચુનીભાઈ ગોહેલ રાજ્યસભાના સભ્ય છે. રૂપાણી સરકારમાં સૌરાષ્ટ્રના ૮ મંત્રીઓ છે. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત કેબીનેટ કક્ષાએ આર.સી. ફળદુ, સૌરભ પટેલ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાનો સમાવેશ થાય છે. રાજ્યકક્ષાએ વિભાવરીબેન દવે, પરસોતમ સોલંકી અને હકુભા જાડેજા મંત્રી પદ ધરાવે છે. કચ્છમાંથી વાસણભાઈ આહિર મંત્રી છે.

કેન્દ્રીય કક્ષાએ ડો. વલ્લભભાઈ કથીરિયાને કામધેનુ આયોગનું ચેરમેન પદ અપાયુ છે. સૌરાષ્ટ્રમાંથી અડધો ડઝનથી વધુ આગેવાનો રાજ્ય સરકારના બોર્ડ નિગમમાં સ્થાન ધરાવે છે. રાજકોટમાંથી ૪ ચેરમેન છે. જેમાં ધનસુખ ભંડેરી, બી.એચ. ઘોડાસરા, નરેન્દ્રબાપુ સોલંકી અને હંસરાજભાઈ ગજેરાનો સમાવેશ થાય છે.

જોકે મોદીના દિલ્હી ગમન બાદ હાલમાં ભાજપની જે સરકાર અને સંગઠન છે તેને કારણે ગુજરાત મોડેલ બદનામ થયું છે એટલું જ નહીં ભાજપની પ્રતિષ્ઠાને ભારે નુકસાન કર્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલની ગુજરાત ની સંગઠન અને સરકાર થી ખુબ જ નારાજ હોવાનું મનાઈ રહ્યું છે પરંતુ પરિણામો બાદ ટૂંક સમયમાં સરકાર અને સંગઠનમાં મોટો ફેરફાર થશે જેમાં સૌરાષ્ટ્રના કેટલાક નેતાઓ ના પત્તા કપાશે તો ઉત્તર ગુજરાત માંથી કેટલાક દિગ્ગજ નેતાઓને સરકારમાં સ્થાન પ્રાપ્ત થઈ શકે છે એકવાર પુનઃ આનંદીબેન ગ્રુપ સરકારમાં પોતાનો દબદબો જમાવી શકે છે.