કૃષિ સુધારા બીલથી ખેડૂતો આત્મનિર્ભર બનશે, ઉપજનો મહત્તમ ભાવ મળશે : ડો.આશાબેન પટેલ, MLA ઊંઝા

0
871

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  કૃષિ સુધારા બિલ વિશે ખેડૂતોને જાગૃત કરવા માટે અને ખેડૂતોને સાચી સમજ આપવા માટે ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે પોતાના મતવિસ્તારનો પ્રવાસ શરૂ કર્યો છે. ઊંઝાના જગનાથપુરા ગામે ખેડૂતોને સંબોધતા આશાબેન પટેલે જણાવ્યું હતું કે, ” ભારત એ ખેતીપ્રધાન દેશ છે. ભારતના અર્થતંત્રમાં ખેડૂત તેનું કેન્દ્રબિંદુ છે. જ્યાં સુધી ખેડૂતો સમૃદ્ધ નહિ બને ત્યાં સુધી ભારતનું અર્થતંત્ર મજબૂત નહી બની શકે. ભારતના ખેડૂતોને મજબૂત બનાવવા અને સમૃદ્ધ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્વારા કૃષિ સુધારા બિલ અમલીય બનાવાયું છે.

 આજે વિશ્વ હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે તે જોતા આવનાર સમયમાં ભારતની વસ્તીમાં પણ વધારો થશે જેમાં ખેડૂતોની સંખ્યામાં પણ વધારો થઇ શકે છે, ત્યારે આપણી પાસે એવો કોઇ જાદુ નથી કે જમીન માં પણ વધારો કરી શકાય પરંતુ ખેડૂતોની ઉપજ અને તેને મળતા ભાવમાં ચોક્કસથી વધારો કરી શકાય છે. કૃષિ સુધારા બિલ અમલીય બનતા ખેડૂતોને તેમની ઉપજના મહત્તમ ભાવ પ્રાપ્ત થશે. કારણકે આ બિલ થી ખેડૂત આત્મનિર્ભર બનશે અને સ્વતંત્ર રીતે જયાંથી ઉપજનો ભાવ વધારે પ્રાપ્ત થાય ત્યાં પોતાનો માલ વેચી શકશે.”

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ” હવે ખેડૂત પણ ડિજિટલ યુગમાં પ્રવેશીને ઓનલાઈન પોતાની ઉપજ વેચી શકવા માટે સક્ષમ બનશે.આમ કૃષિ સુધારા બિલ થી ઇ-ફાર્મિંગ સેલ ને પ્રોત્સાહન મળશે. જોકે કેટલાક રાજકીય પક્ષો દ્વારા આ બિલ વિષે ખોટી માન્યતાઓ ઊભી કરીને ખેડૂતોને ભરમાવવામાં આવી રહ્યા છે પરંતુ આવા રાજકીય પક્ષો માત્ર ને માત્ર પોતાનો રાજકીય રોટલો જ શેેકવાનું કામ કરી રહ્યા છે. કૃષિ સુધારા બિલ થી કોઈ એપીએમસી બંધ નથી થઇ જવાની કે કોઈ ખેડૂતો ખેત મજુર નથી બની જવાના. ખેડૂત નો હાથ હંમેશા ઊંચો જ રહેશે…..”

કોંગ્રેસના જુઠાણા…અને તેની સામે હકીકત…..

(1) એપીએમસી બંધ થઈ જશે.

હકીકત- આ કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી.

(2) ટેકાના ભાવે ખરીદી બંધ થઈ જશે.

હકીકત- ટેકાના ભાવે ખરીદી શરૂ રહેશે. તાજેતરમાં જ રવી સીઝનના ભાવો કેન્દ્ર સરકારે જાહેર કર્યા છે.

(3) ખેડૂતોનું શોષણ થશે

હકીકત- શોષણ તો અત્યારે થાય છે. આ કાયદાથી તો ખેડૂત પોતાનો માલ ગમે ત્યાં વેચી શકશે.

(4) રાજ્યની કાયદો બનાવવાની સત્તાનું ઉલ્લંઘન છે.

હકીકત- કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં બંધારણ સંઘયાદી ની કલમ 42 મુજબ કાયદો બનાવી શકે છે.

(5) ખેડૂત જો કરાર આધારિત ખેતી કરવાનો કરાર કરશે તો ઘટતો માલ પૂરો પાડવો પડશે.

હકીકત-  ના, જો ઉત્પાદન કરાર કરતા ઓછું આવે તો ઘટતો માલ પૂરો કરવાની કોઇ જોગવાઈ આ કાયદામાં નથી.

(6) કંપનીઓ ખેડૂતોની જમીન પડાવી લેશે.

હકીકત- આ કરાર માત્ર ખેત ઉત્પાદનનો છે જમીનનો કોઈ દસ્તાવેજ કે જમીન સાથેનો કોઈ કરાર નથી.