ઉ.ગુ.માં રાજકારણ ગરમાયુ : બનાસ ડેરીમાં એક પણ ઠાકોર ડિરેકટર ન હોવાનો અલ્પેશ ઠાકોરનો ચેરમેન શંકર ચૌધરી સામે બળાપો

0
1322

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : બનાસ ડેરીની સ્થાપનાથી જ ડેરીના ડિરેકટર પદ માટે ચૂંટણીઓ યોજાતી હતી પરંતુ 40 વર્ષ બાદ પહેલીવાર એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની 16 ડિરેક્ટરોની ચૂંટણી બિન હરીફ થઈ છે. પરંતુ બનાસ ડેરીના ડિરેક્ટરોમા એક પણ ડિરેકટર ઠાકોર સમાજનો ન હોવાથી ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરે ‘ઠાકોર સમાજ’ને બનાસ ડેરીમાં પ્રતિનિધિત્વ ના મળ્યું હોવાનો બળાપો સોશ્યલ મીડિયામાં કાઢ્યો હતો.

અત્રે નોંધનીય છે કે, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર મતદારોએ શંકર ચૌધરીનો સાથ ન આપ્યો એટલા માટે તે હારી ગયા તે જ રીતે અલ્પેશ ઠાકોર ભાજપમાં પ્રવેશ બાદ પેટા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો.ત્યારે હવે એકવાર પુનઃ અલ્પેશ ઠાકોરે સોશિયલ મીડિયા આગામી બે મહિનામાં ઠાકોર સમાજને બનાસ ડેરીમાં પ્રતિનિધિત્વ આપવા માગ કરી છે જેને લઈ ઉત્તર ગુજરાતના રાજકારણમાં એક વાર ગરમાવો આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે પાટણ-બનાસકાંઠામાં શંકર ચૌધરીનું રાજકીય પલ્લું ખૂબ જ ભારે માનવામાં આવે છે. અલ્પેશ ઠાકોર કે જેઓ કોંગ્રેસ માંથી રાધનપુર સીટ ઉપર ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા હતા પરંતુ બાદમાં પોતાનો રાજકીય લાભ ખાંટવા માટે ‘દ્રાક્ષ ખાટી છે’ એમ કહીને તેઓ ભાજપમાં જોડાયા હતા અને પુનઃ રાધનપુર સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમનો મનસુબો પાર પડયો ન હતો.

તો બીજી બાજુ આ સીટ પર શંકર ચૌધરી પણ લડવા માટે આતુર હતા પરંતુ અલ્પેશ ઠાકોર ના કારણે તેમને ટિકિટ મળી ન હતી આમ બન્ને નેતાઓ ની નજર રાધનપુર સીટ પર હતી પરંતુ બેની લડાઈમાં ત્રીજો ફાવી ગયો. ત્યારે હવે બનાસડેરીમાં શંકર ચૌધરીની આ સહકારી સફળતા બાદ અલ્પેશ ઠાકોરે એકવાર પુનઃ માથું ઊંચક્યું છે અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને બનાસડેરીમાં ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપવાની માંગ કરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ બંને નેતાઓ વચ્ચે નો મતભેદ કે મનભેદ પાટણ બનાસકાંઠા ના રાજકારણમાં શું નવાજુની સર્જશે.!!!