Gujarat Politics

….અને સુરત અગ્નિકાંડ મામલે સામાન્ય સભામાં મેયરે કહ્યુ, “….તો હુ મેયર પદે થી રાજીનામું આપવા તૈયાર છું”

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : સુરત તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ મુદ્દે સોમવારે યોજાયેલ ખાસ સામાન્ય સભામાં ભવિષ્યમાં વિપક્ષ દ્વારા શાસક પક્ષ તેમજ મેયર અને કમિશનર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જેમાં મેયર અને કમિશનરના રાજીનામાની માગણી કરવામાં આવી હતી ત્યારે આ માગણી ને લઈને સમસમી ઉઠેલા મેયર જગદીશ પટેલે એવું પણ કહી દીધું હતું કે જો મારા રાજીનામાંથી સમસ્યા ઉકેલાઈ જતી હોય તો હું રાજીનામું આપવા માટે તૈયાર છે. મેયર ની આ વાત સાંભળી સૌ કોઈ ચોંકી ગયા હતા.

મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં રાજકારણી-અધિકારીઓની મિલી ભગત થી ધમધમી રહેલ ગેર કાયદે બાંધકામ, ફાયર સેફ્ટીના અપુરતા સાધનો, એનઓસી-બીયુસીમાં પોલંપોલ, દબાણો દૂર કરવામાં શાસકોની નિષ્ફળતા સહિતના મુદ્દા ઉછળ્યા હતાં. તક્ષશિલાના ગુનેગાર કોઈ પણ હોય તેને નહી છોડવાનો એક સૂર રહ્યો હતો.આ સભામાં દેવરાજ ગોપણી એ આક્ષેપ કર્યો હતો કે નેતા અને અધિકારીઓના મેળાપીપણામાં 22 નો ભોગ લેવાયો છે. પાલિકાના અધિકારી કયાં નેતાના ઇશારે બચી જાય છે. આજે પણ ડીજીવીસીએલના વાયરો જીવતા બોમ્બ જેવા છે. ગુનેગારોને ફાંસીએ ચઢાવી દેવા જોઇએ.

તો બીજી બાજુ સાયકલ અસ્લમ વાળાએ ભૂતકાળની દુર્ઘટનાને યાદ કરતા આક્ષેપ કર્યો હતો કે અઠવા બ્રિજ દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ ધૂળ ખાઈ છે. સીએફઓ પરિખ સામે કેમ પગલાં નથી લેવાતાં ? બીયુસી વગરની માર્કેટોનો સરવે કરો. આ સાથે અશોક જીરાવાલા એ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દુર્ઘટનામાં જવાબદાર મગરને છોડી દીધાં અને માછલીને પકડી લીધી છે. પાલિકામાં 30 વર્ષથી ભાજપનું શાસન છે. આગમ , શાલુ ડાઇગની ઘટના પછી પણ બોધપાઠ લીધો નથી. નૈતિકતાના ધોરણે મેયરે રાજીનામું આપી દેવું જોઇએ.

ડો.જગદીશ પટેલ મેયર,સુરત

ત્યારે અશોક જીરાવાલા એ મેયરના રાજીનામાની માગણી કરતા સમસમી ઉઠેલા મેયર જગદીશ પટેલે કહ્યું હતું કે જો મારા રાજીનામાથી સમસ્યા ઉકેલાઈ જતી હોય તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું. તો બીજી બાજુ મનોજ ચોવટીયા એ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વરાછાની પ્રજાના પૈસા અન્ય ઝોનમાં બ્યુટિફીકેશનમાં વાપરી નાંખ્યા છે. કમિશનર માત્ર એ.સી કેબિનમાં બેસી રહે છે. આ માનવસર્જિત દુર્ઘટના છે. ઝોનમાં 6 વાગે પછી બિલ્ડર અને કોન્ટ્રાક્ટરોની લાઇન લાગે છે. આમ પાલિકાની સામાન્ય સભા ખૂબ જ તોફાની બની રહી હતી