ઊંઝા મામલતદાર કચેરીની કામગીરીથી કંટાળી અરજદારોએ ગાંધીનગર કરી ફરિયાદ : મહેસૂલમંત્રી રોષે ભરાયા

0
673

મોર્નિંગ ન્યુઝ ફોકસ,(સુના સો ચુના )  : ઊંઝા મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી લાલિયાવાડી ચાલી રહી છે. ત્યારે અરજદારો પણ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અરજદારો તેમની મુશ્કેલીઓ વિષે ગમે એટલી ફરિયાદો કરે પરંતુ તેમને સાંભળનારું કોઈ નથી. ત્યારે છેવટે કંટાળેલા ઊંઝાના જાગૃત યુવાનો એ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઊંઝા મામલતદાર કચેરી વિરુદ્ધ ફરિયાદ કરી છે જેની જાણ ગુજરાતના મહેસુલ મંત્રી કૌશિક પટેલને થતા કૌશિક પટેલ પણ મામલતદાર ની કામગીરી સામે ખફા થયા હોવાનું બિન સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઊંઝા મામલતદાર કચેરીમાં અરજદારો કોઈપણ યોજનાના ફોર્મ લેવા માટે જાય તો તેમને ફોર્મ બહાર ઝેરોક્ષ માંથી લેવાનું કહેવામાં આવતું હતું જ્યાં તેમણે પાંચ થી દસ રૂપિયા ચૂકવવા પડે છે. જોકે મામલતદાર કચેરીના અધિકારીઓની આ ઝેરોક્ષ ની દુકાનો સાથે સીધી સાઠગાંઠ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ રાશનકાર્ડ સહિતની કામગીરીમાં અરજદારોને ધક્કા ખવડાવવામાં આવે છે અને જો અરજદારો દ્વારા પાછલા બારણે જ્યાં સુધી વિટામિન એમ ન ધરાવાય ત્યાં સુધી તેમનું કામ થતું નથી. એટલું જ નહીં રેવન્યુ સહિતના અનેક કામો માટે અરજદારો પાસેથી મોટી રકમ પડાવવા માં આવતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

જોકે મામલતદાર કચેરીની લાલિયાવાડી થી પરેશાન જાગૃત યુવાનો એ મહેસુલમંત્રી કૌશિક પટેલ ને પણ આ અંગે રજૂઆત કરી છે. મહેસુલ મંત્રીએ ફરિયાદ કરનાર જાગૃત યુવાનો પાસેથી લેખિતમાં રજૂઆત મંગાવી છે. જોકે મહેસુલ મંત્રી પણ ઊંઝા મામલતદાર કચેરીની કામગીરી થી નારાજ હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે આ ઊંઝા મામલતદાર કચેરીના પુરવઠા વિભાગ નું સૌથી મોટું રાસન કૌભાંડ ઝડપાયું હતું જેમાં પુરવઠા વિભાગની મીલીભગત હોવાનું બહાર આવ્યું હતું હજુ પણ ક્યાંકને ક્યાંક રાશન કૌભાંડ પાછલા બારણે ચોરીછૂપીથી ચાલી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય અને ગુજરાતનું મહેસુલ ખાતું આવા ભ્રષ્ટ તંત્ર સામે શું પગલા લેશે ?