ભાજપના અમરેલીના સાંસદ નારણ કાછડીયાની ડોક્ટરને ધમકી : " હું તને જોઈ લઈશ "

ભાજપના અમરેલીના સાંસદ નારણ કાછડીયાની ડોક્ટરને ધમકી : " હું તને જોઈ લઈશ "

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : હજુ રસી પ્રકરણમાં અદાર પુનાવાલાનો રસી પ્રકરણનો વિવાદ શમ્યો નથી ત્યાં ગુજરાત ભાજપના અમરેલીના સાંસદ નારણ કાછડિયા ડોક્ટરને ફોન કરીને જોઈ લેવાની ધમકી આપતાં હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, ભાજપના સાંસદ કાછડિયાએ અમરેલીના મેડિકલ ઓફિસર ડો. હાર્દિકને ટોર્ચર કરી જોઈ લેવાની ધમકી આપી હોવાના સમાચારથી તબીબી જગતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એટલું જ નહિ પરંતુ ભાજપના આ સાંસદ ૬૦ ઓક્સિજન લેવલવાળા દર્દીને છોડીને પહેલાં ૯૬ ઓક્સિજનવાળા દર્દીને સારવાર આપવા દબાણ કરી રહ્યા છે. આ સમગ્ર પ્રકરણની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સાવરકુંડલાના મેડિકલ ઓફિસર ડો. હાર્દિક બોરીસાગર અને તેના ઉપરી અધિકારીની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે . જેમાં ઉપરી અધિકારી ડો. હાર્દિકને કહે છે કે, આ પોલિટિક્સ વાળાને તમે ફોન પર બરોબર જવાબ આપો છો ને, જેના જવાબમાં ડોક્ટર કહે છે કે, હા બરાબર જવાબ આપીએ છીએ, એ પછી ડોક્ટરે પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે, પરમ દિવસે મારી ડયૂટી હતી ત્યારે સાંસદ નારણ કાછડિયાનો ફોન આવ્યો હતો, જેમાં ઓક્સિજન લેવલ ૯૬ વાળા દર્દીને તાત્કાલિક સારવાર આપો તેવું કહ્યું હતું.

મેં તેમને કહ્યું કે, મારી પાસે ૬૦ ઓક્સિજન લેવલવાળા દર્દી વેઇટિંગમાં છે. તમે થોડું વેઈટ કરો, એ પછી સાંસદે પાછો વિપુલ સરને ફોન કર્યો, જેમણે મને ફોન આપી દીધો, પછી મને કહ્યું કે, તમે ટ્રીટમેન્ટ કરતાં નથી. મેં કહ્યું કે, તમારા દર્દીને ઇમરજન્સીની જરૂર નથી, તોય આ રીતે ફોન કરી ટોર્ચર કરે છે, મારી ડયૂટીમાં છ ફોન આવ્યા હતા, અને પછી સાંસદ એવું કહે કે, હું તને જોઈ લઈશ, હું કોણ છું તને ખબર છે તો આપણે શું કરવાનું ગમે તે પેશન્ટ એમને ફોન કરે ને આપણને ફોન કરી દે છે. ડોક્ટરે અમને અમારું કામ કરવા દો કહેતાં સાંસદ કાછડિયા રિસાયા હોવાનું પણ ડોક્ટર કહે છે. જો કે ઉપરી અધિકારીએ યોગ્ય રીતે જવાબ આપવા માટે જણાવ્યું હતું.