Gujarat Politics

વિરમગામમાં BJP ના કાર્યક્રમમાં લાફાવાળી: તેજશ્રીબેન રડી પડ્યા:કેન્દ્રીયમંત્રી રવાના

ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓને ચૂંટણીમાં આગળ ધરવામાં આવશે તે વાતને લઈને ભાજપમાં પણ ડખાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અમદાવાદ જિલ્લાની કુલ 5 બેઠકોમાં કોંગ્રેસને જીતાડનારા સાણંદ અને વિરમગામના ધારાસભ્ય કરમશી પટેલ અને તેજશ્રીબહેન પટેલને ટિકિટ મળવાની ભીતિ સ્થાનિક કાર્યકરોને સતાવી રહી છે.  જેના કારણે આંતરિક ડખા અને મતભેદ ચમસીમા પર આવી રહ્યા છે, આનું જ એક પરિણામ વિરમગામમાં કેન્દ્રીય મંત્રીની હાજરીમાં યોજાયેલા તેજશ્રીબહેનના કાર્યક્રમમાં જોવા મળ્યું.

મોદી સરકારના આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડાની હાજરીમાં જ વિરમગામ એવો ભવાડો થયો કે નડ્ડાએ ત્યાંથી ફટાફટ રવાના થઈ જવું પડ્યું હતું. કોંગ્રેસ સાથેનો છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા તેજશ્રીબહેન પટેલ સાથે નડ્ડા મહાસંપર્ક માટે નીકળ્યા હતા તે દરમિયાન બહેનના સમર્થકો અને ભાજપના મૂળ કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણ વધતા મહિલા મોરચા ના અગ્રણીએ યુવા મોરચાના કાર્યકરને તમાચો ફટકારી દીધો હતો. આ ઘટનાના કારણે તેજશ્રીબહેનની આંખમાં આંસુ આવી ગયા હતા. આયાતી ઉમેદવાર અને પક્ષના કાર્યકરો વચ્ચેના રોષને જોઈને નડ્ડા નારાજગી સાથે અહીંથી કાર્યક્રમ પડતો મૂકીને રવાના થઈ ગયા હતા.