Editorial Gujarat Politics

ભાજપે હાર્દિક પટેલને નરેન્દ્ર મોદી કરતાં પણ મોટો સ્ટાર પ્રચારક બનાવી દીધો !!!

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) : સમાચારોનું ટાઇટલ કદાચ વાંચક મિત્રોને થોડુંક વિચિત્ર લાગતું હશે કે ભાઈ હાર્દિક ને તો કોંગ્રેસે સ્ટાર પ્રચારક બનાવ્યો છે ભાજપે નહિ. વાચકો આપ ની જગ્યાએ આપ સાચા છો અને સમાચાર લખનારનો દ્રષ્ટિકોણ પણ એની રીતે બરાબર છે. હાર્દિક પટેલ ભલે કોંગ્રેસનો સ્ટાર પ્રચારક હોય પરંતુ ક્યાંક ને ક્યાંક હાર્દિકની આટલી મોટી સફળતા પાછળ ભાજપનો અનિચ્છનીય છૂપો હાથ છે એમ કહેવું જરા પણ અનુચિત નથી.

હાલમાં હાર્દિક પટેલને કોંગ્રેસે પ્રચાર કરવા માટે સ્પેશ્યલ હેલિકોપ્ટર ફાળવ્યું છે જે સાંભળીને કદાચ ભાજપના નેતાઓને જ નહીં પરંતુ કોંગ્રેસના નેતાઓને પણ હાર્દિક ની ઈર્ષા આવતી હશે કારણકે છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં કદાચ પહેલીવાર વિરોધ પક્ષની ભૂમિકા માં રહેલ કોંગ્રેસના કોઈ નેતાને પ્રચાર કરવા માટે પક્ષે હેલિકોપ્ટર ફાળવ્યું હોઈ શકે છે. ત્યારે ચૂંટણી ન લડી શકનાર હાર્દિકને કોંગ્રેસે સ્ટાર પ્રચારક બનાવી અને હેલિકોપ્ટર ફાળવી દીધું છે એ હાર્દિક પટેલ માટે એક સૌથી મોટી ઉપલબ્ધિ છે.

આમ તો હાર્દિકને હીરો બનાવવા માં ભાજપ નો ફાળો મહત્વનો રહ્યો છે. એમાંય વળી લોકસભાની ચૂંટણી હાર્દિક ન લડી શકે તે માટે ભાજપે સામ-દામ-દંડ-ભેદ વાળી નીતિ અખત્યાર કરી હતી. અને છેવટે ભાજપને એમાં મોટી સફળતા પણ મળી ગઈ એટલે ભાજપને હાશકારો થયો હશે. પરંતુ ચૂંટણી ન લડી શકનાર હાર્દિકને કોંગ્રેસે સ્ટાર પ્રચારક બનાવી અને હેલિકોપ્ટર ફાળવી દીધુ તેથી હાર્દિક હવે માત્ર કોઈ એક સીટ પૂરતો જ પચાર મર્યાદિત નહી રાખતા મોટાભાગની ગુજરાતની સીટો પર ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે જેને કારણે ભાજપને મોટું નુકસાન થઈ શકે છે.

ગુજરાતની રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકાર ને 2017માં હાર્દિક પટેલના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સૌથી મોટું નુકશાન સહન કરવું પડ્યું હતું એ વાત કદાચ ભાજપ ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણકે 2017 ની ગુજરાત ની વિધાનસભા ની ચૂંટણીઓમાં 150 સીટ મેળવવાની અમિત શાહની વાતોનો ફિયાસ્કો થઈ ગયો હતો અને ભાજપ માત્ર 99 સીટો ઉપર આવીને અટકી ગયું હતું. ત્યારે આ વખતે પણ હાર્દિકના કારણે ભાજપને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મોટો ફટકો પડી શકે છે અને પાંચ જેટલી સીટો ગુમાવવાનો વારો આવી શકે છે.

જોકે હાર્દિક પટેલ એક યુવા નેતા છે, આટલી નાની ઉંમરે તેને આટલું મોટું પદ પ્રાપ્ત થયું છે એ તેની રાજકીય કારકિર્દી માટે શુભ સંકેત આપી જાય છે. કદાચ નરેન્દ્ર મોદી પણ જ્યારે CM ન હતા અને માત્ર પ્રચારક હતા ત્યારે તેમને પણ કદાચ પક્ષે હેલિકોપ્ટર નહીં ફાળવ્યુ હોય !!! જોકે ગુજરાતની રૂપાણી સરકાર એવું માનતી હતી કે હાર્દિક પટેલને ચૂંટણી લડતો અટકાવીશું તો ભાજપને નુકશાન થઈ શકશે નહીં પરંતુ હાર્દિકને ચૂંટણી લડતો અટકાવીને ભાજપની હાલત ગુજરાતી કહેવત ‘બકરું કાઢતા ઊંટ પેઠુ’જેવી થઈ ગઇ છે.