ગુજરાતની આ નગર પાલિકા ભાજપે જીતીને ગુમાવી : એક સાથે 16 સભ્યોએ ભાજપ સાથે છેડો ફાડયો

ગુજરાતની આ નગર પાલિકા ભાજપે જીતીને ગુમાવી : એક સાથે 16 સભ્યોએ ભાજપ સાથે છેડો ફાડયો

મોર્નિંગ ન્યુુુઝ ફોકસ નેટવર્ક :  વાંકાનેર નગરપાલિકામાં 24 બેઠકો સાથે ભાજપને બહુમતી મળવા છતાં આજે જિલ્લા ભાજપ અને ચૂંટાયેલા સદસ્યો વચ્ચે પ્રમુખપદને લઈ ખેંચતાણ સર્જાતા અંતે ધાર્યું ધણીનું થાય તે ઉક્તિ મુજબ ભાજપના 16 સભ્યોએ રાજીનામાં ધરી દઈ પાર્ટી આદેશને અવગણીને બળવો કરી અપક્ષ સરકાર બનાવતા સમગ્ર રાજ્યમાં ભાજપના આંતરિક ગજગ્રાહના ઘેરા પડઘા પડયા છે.

આજે હોદેદારોની ચૂંટણી સમયે ભાજપના સત્તાવાર ઉમેદવારોને ફક્ત 10 મત મળ્યા હતા જયારે 15 મત સાથે બળવાખોર જૂથના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા

વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં 24 બેઠક ઉપર ભાજપ અને 4 બેઠક ઉપર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા હતા અને સ્પષ્ટ બહુમતી મળતા ભાજપ સતા સ્થાને બિરાજે તેવું સ્પષ્ટ હતું.

પરંતુ અહીં બહુમતી ચૂંટાયેલ સભ્યોએ પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાનું નામ મોવડી મંડળ અને જિલ્લા ભાજપ સમક્ષ સૂચવ્યું હતું પરંતુ આંતરિક ખેંચતાણમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા બહુમતી સભ્યોની માંગણીથી વિપરીત પ્રમુખ તરીકે રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન ભરતભાઈ સુરેલાનો મેન્ડેડ આપતા વાંકાનેર પાલિકામાં રાજકીય ભૂકંપ રૂપે ભાજપના હોઠ સુધી આવેલો કોળિયો છીનવાયો હતો અને 16 સભ્યોએ બગાવત કરી અપક્ષ સરકાર રચી ભાજપને સતાથી દૂર રાખ્યું હતું.