EDUCATION Gujarat

પેપર ચેકિંગ મુદ્દે નવા શૈક્ષણિક વર્ષથી બોર્ડ આ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓના ફોર્મ અટકાવશે

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ખાનગી સ્કૂલોના સંચાલકો અને શિક્ષકો  બોર્ડને ભારે પડી રહ્યા છે. ખાનગી સ્કૂલો બોર્ડના કેટલાક નિયમોને અનુસરવામાં સ્પષ્ટ આનાકાની કરી દેતી હોય છે. દર વર્ષે બોર્ડના પેપર ચેક કરવામાં ખાનગી સ્કૂલોના શિક્ષકો મોટાભાગે ગેરહાજર રહે છે. પરંતુ આ વર્ષે બોર્ડ શિક્ષકો પર કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. વારંવાર સ્કૂલોએ પેપર ચેક કરવા પોતાના શિક્ષકોને મોકલવા કહેવાયું હોવા છતાં પણ આ વર્ષે અંદાજે 3500 શિક્ષક ગેરહાજર રહ્યા હતા.

ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના પેપર ચેક કરવા માટે ખાનગી સ્કૂલોના 3500 શિક્ષકને ઓર્ડર આપેલ હોવા છતાં પેપર ચેક કરવા ન આવનાર શિક્ષકોને બોર્ડ સોમવારે નોટિસ ઇશ્યૂ કરશે.જો શિક્ષકો નોટિસનો યોગ્ય ખુલાસો નહીં કરે તો શિક્ષક અને સ્કૂલને દંડ થઈ શકે છે.માહીતી મુજબ,વિજ્ઞાન પ્રવાહમાં અંદાજે 1500 અને સામાન્ય પ્રવાહના 2 હજાર શિક્ષકોને બોર્ડ સોમવારે નોટિસ ઇશ્યૂ કરશે. શિક્ષકો નોટિસનો યોગ્ય ખુલાસો નહીં કરે તો શિક્ષક અને સ્કૂલને દંડ થઈ શકે છે.બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, પેપર ચેકિંગ માટે નહીં આવતાં શિક્ષકો તેમજ ખાનગી સ્કૂલો જો નોિટસ અને દંડ બાદ પણ યોગ્ય પગલાં નહીં લે તો નવા શૈક્ષણિક વર્ષ માટે જે તે સ્કૂલના વિદ્યાર્થીઓના ફોર્મ બોર્ડ અટકાવી શકે છે.

બીજી બાજુ મળતી માહીતી મુજબ,ખાનગી સ્કૂલોના શિક્ષકો ક્લાસીસ સાથે જોડાયેલ હોવાથી તેમને સવારે 10થી 5નો સમય સેટ થતો નથી. શિક્ષકોએ પેપર ચેક કરવા જતા પહેલા સ્કૂલમાં પણ લેક્ચર લેવા પડે છે. સરકારી શિક્ષકોને રજાનો લાભ મળે છે, જ્યારે ખાનગી સ્કૂલો ના શિક્ષકો ને આ લાભ મળતો નથી. એટલું જ નહીં પેપર ચેકિંગ નું જે ભથ્થું આપવામા આવે એમાં પણ ખાનગી અને સરકારી શિક્ષકો વચ્ચે અસમાનતા રહે છે.તો બીજી બાજુ સરકારી શિક્ષકોનું પણ માનવું છે કે પેપર ચેક કરવામાં થોડી પણ ભૂલ થાય તો બોર્ડ દંડ કરે છે. ખાનગી સ્કૂલોના શિક્ષકો પેપર ચેક કરવા ન આ‌વતા સરકારી શિક્ષકો પર કામનું ભારણ વધી જાય છે. કામના ભારણને કારણે ઘણા શિક્ષકોને મહેનતાણાં સામે બોર્ડનો દંડ વધી જાય છે. જ્યારે કે બોર્ડની પરીક્ષામાં ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓની સંખ્યા જ વધારે છે.