Gujarat Politics

રૂપાણી સરકારમાં મોટા ફેરફારની શક્યતા : કેટલાક મંત્રીઓ પડતા મુકાશે તો વાઘાણીનું પ્રમુખપદ જશે

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ દેખાયા હતા. કારણ કે રૂપાણી સરકારના શાસનમાં ભાજપની લોકપ્રિયતા માં થઇ રહેલા સતત ઘટાડાને કારણે આ વખતે ભાજપ પાંચ થી છ સીટો ગુમાવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે ભાજપના આ નબળા પર્ફોર્મન્સને કારણે રૂપાણી સરકાર પર જોખમ તોળાઈ રહ્યું છે.બુધવારે સવારે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ ગાંધીનગરમાં બેસતાં ઉચ્ચ અધિકારીઓમાં એક વાત હોટ ટોપિકની જેમ ચર્ચાઇ અને તે રહી રૂપાણી સરકારમાં ચૂંટણી પછી તોળાઇ રહેલા ફેરફારોની. રાજકીય ઘટનાક્રમોની ખૂબ નજીક રહેતાં સચિવાલયના આ અધિકારીઓમાં પડતાં મૂકાનારા અને નવા ઉમેરાઈ શકે તેવાં ચહેરાઓને લઇને ખૂબ લાંબી ચર્ચાઓ દિવસભર થતી રહી.

એક ઉચ્ચ અધિકારીના જણાવ્યાં અનુસાર, ચૂંટણીના પરિણામો બાદ રાજ્ય સરકારમાં ખૂબ મોટાપાયે પરિવર્તનો થવા જઇ રહ્યાં છે. હાલ પ્રવર્તી રહેલી રાજકીય સ્થિતિને લઇને મુખ્યમંત્રી રૂપાણી પર સરકારમાં તબદીલીનું દબાણ ઊભું થયું હોવાનું અધિકારીઓ ખાનગીમાં સ્વીકારે છે. આ માટે સરકારે સંબંધિત વિભાગો સાથે પરામર્શ પણ શરુ કરી દીધો હોવાનું અધિકારીઓ સ્વીકારે છે.

હાલમાં જોઈએ તો ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના હાલના મંત્રી પરબત પટેલને સ્થાને શંકર ચૌધરીને તક મળી શકે છે. ચૌધરી પટેલને સ્થાને પેટાચૂંટણી પણ લડી શકે છે. આ મંત્રીને હવે રૂપાણી કેબિનેટ કક્ષાના મંત્રી બનાવી શકે છે. ભૂપેન્દ્રસિંહને પડતાં મૂકવા પડે તો તેમની પાસેના કાયદો અને ન્યાયતંત્રનો વિભાગ તેમને મળી શકે છે. સરકારની સાથે ભાજપના સંગઠન માળખામાં પણ ફેરફાર આવે તવી શક્યતા હોવાથી વાઘાણી ભાજપના પ્રદેશ પ્રમુખ ન રહે અને તેને બદલે તેમને રાજ્ય સરકારમાં મંત્રીપદ મળે તેવી શક્યતા છે.

ઉપરાંત કચ્છમાંથી આવતા વાસણ આહિર પડતાં મૂકાય તો પ્રદેશને કેબિનેટમાં સ્થાન આપવા માટે તેમની જગ્યાએ નીમાબેન આચાર્યનો સમાવેશ થાય તેવી ગણતરી મૂકી શકાય. જો મંત્રીમંડળમાં ન સમાવાય તો, નીમાબેનને ડેપ્યુટી સ્પીકરનું પદ પણ મળી શકે છે.જ્યારે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જ્યાંથી ચૂંટણી જીત્યા તે ધોળકા બેઠકની મતગણતરીને લઇને ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જો કોર્ટનો આદેશ ચૂડાસમાની અપેક્ષાથી વિપરિત આવે તો રાજીનામું આપવું પડે.

પાટણ બેઠક પરથી પાર્ટીના આગ્રહ છતાં લોકસભાની ચૂંટણી લડવા નનૈયો ભણનારા દિલીપ ઠાકોરની એક્ઝિટ લગભગ પાક્કી મનાઇ રહી છે.લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાથી પટેલ જીતી જ જશે તેવો વિશ્વાસ ભાજપને છે. આવાં સંજોગોમાં તેમણે મંત્રીપદ જતું કરી રાજીનામું આપવું જ રહ્યું.તો ભાજપ પાસે હવે કુંવરજી બાવળિયાનો મજબૂત વિકલ્પ મળી જતાં લગભગ નિષ્ક્રિય રહેતા પરસોત્તમ સોલંકીને હવે ભાજપ પડતાં મૂકશે.એટલું જ નહીં કચ્છના આ નેતાનું નામ કથિત રીતે મહિલા સાથેના સંબંધોમાં ઉછળતાં ભાજપે કે સરકારે અત્યાર સુધી મૌન સાધી રાખ્યું છે. પરંતુ આગામી મંત્રીમંડળના બદલાવ દરમિયાન પડતા મુકાવાની વકી છે.

ઘણાં ભાજપના ધારાસભ્યો સરકારનો ભાગ બનવા માટે તલપાપડ છે પરંતુ હમણાં હમણાં સરકારે કોંગ્રેસમાંથી આવેલાં ધારાસભ્યોને મંત્રીપદ આપી દેતાં ભાજપના ધારાસભ્યો માટે ગાંધીનગર દૂર છે તેવું જણાઇ રહ્યું છે. રાજ્યસરકારે કેટલાંક ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવવા માટે રાજ્યના સંબંધિત વિભાગો પાસે પરામર્શ કર્યો હતો. પરંતુ પંજાબ હાઇકોર્ટના આ સંબંધે આવેલાં ચૂકાદાને કારણે હવે સંસદીય સચિવોની નિમણૂંક કરવામાં સરકારને વિઘ્ન આવી શકે છે. હાલ રાજ્યસરકાર પોતાના મંત્રીમંડળમાં વધુમાં વધુ સત્યાવીસ સભ્યોને સમાવી શકે છે.