Gujarat

ચોકીદાર નરેન્દ્ર મોદીનો ‘ચોકીદાર’ જ ડ્યુટી પર નશો કરેલી હાલતમાં ઝડપાયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં પોતાની જાતની ચોકીદાર ગણાવી રહ્યા છે ત્યારે મોદીની સાથે તેમના અનેક મંત્રીઓ અને ધારાસભ્યો તેમજ સાંસદોએ પોતાના નામની આગળ ચોકીદાર લગાવી દીધું છે. ત્યારે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નિવાસસ્થાને જેને ચોકીદારની ડ્યુટી અપાઇ હતી તે ચોકીદાર પીધેલી હાલતમાં ઝડપાયો હતો જેની સામે ગુનો નોંધાયો હતો અને તાજેતરમાં કોર્ટે તેને 3 મહિનાની સજા અને દંડ ફટકાર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે પાટણ જિલ્લાના ચારુપ ગામના વતની દશરથસિંહ રાજપૂતને તત્કાલીન મુખ્યમંત્રી નરેંદ્ર મોદીના નિવાસસ્થાને ગેટ પર ડ્યૂટી અપાઈ હતી. 7 ઓક્ટોબર 2010ના રોજ દશરથસિંહ રાજપૂત ફરજ પર પીધેલી હાલતમાં ઝડપાયો હતો. ગાંધીનગરમાં મેજિસ્ટ્રેટ અમિત પટેલે દશરથસિંહને આ મહિનાની શરૂઆતમાં 500 રૂપિયા દંડ અને જેલની સજા સંભળાવી. જો કે, 2500 રૂપિયાના બેઈલ બોન્ડ રજૂ કરતાં તેને જામીન મળ્યા.

7 ઓક્ટોબરની સાંજે દશરથસિંહ તેના રૂમમાં પલંગ પર ઊંઘતો મળ્યો હતો. જ્યારે તેની કંપનીના ઈન્ચાર્જ ત્યાં આવ્યા ત્યારે તેના શરીરમાંથી દારુની વાસ આવતી હતી. ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી. લગભગ એક દશકા બાદ કેસની ટ્રાયલ થતાં જે ડૉક્ટરે દશરથસિંહની તપાસ કરી હતી તેમણે પુરાવા રજૂ કર્યા. FSI રિપોર્ટ મુજબ, દશરથસિંહના શરીરમાંથી 0.0766 ગ્રામ ઈથાઈલ આલ્કોહોલ મળી આવ્યો. આ કેસમાં પંચના બે સાક્ષીઓ ફરી ગયા. જો કે કોર્ટે કહ્યું, “જ્યારે મેડિકલ ઓફિસરના પુરાવા પરથી સાબિત થાય છે કે નશો કરવામાં આવ્યો હતો ત્યારે પંચના સાક્ષીઓ ફરી જાય તો પણ પ્રોહિબિશનના કેસમાં સરકારી વકીલને ખાસ ફરક પડતો નથી. પંચના સાક્ષીઓ શત્રુ બનતાં મેડિકલ પુરાવાને ખોટો ન ઠેરવી શકાય.”