બંગલામાં આરામ કરતા CM રૂપાણીએ આંદોલનકારીઓને શૌચાલયોમાં રાત ગુજારવા મજબૂર કર્યા : ગોપાલ ઇટાળીયા

0
282

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : બિન સચિવાલય ની પરીક્ષા રદ કરવાની માંગણીને લઈને છેલ્લા બે દિવસથી વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. જો કે આંદોલનના બની બેઠેલા પ્રતિનિધિઓ સરકાર સાથે મળી જતાં છેલ્લા બારણેથી ભાગી ગયા હતા, પરંતુ આંદોલન કોઈ નેતાના ઈશારે ચાલતું આંદોલન ન હતું તેથી વિદ્યાર્થીઓએ પોતાનું આંદોલન પરીક્ષા રદ કરવાની માંગ સાથે હજુ પણ મક્કમ નિર્ધાર થી ટકાવી રાખ્યું છે. છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. આજે બીજી રાત્રે પણ વિદ્યાર્થીઓએ રસ્તા ઉપર કડકડતી ઠંડીમાં ઠૂઠવાઇ ને રાત પસાર કરી હતી પરંતુ પરીક્ષા રદ કરવાની માંગ પર તેઓ અડગ રહ્યા હતા.

ત્યારે આ વિદ્યાર્થીઓની માંગને સમર્થન આપવા આવી પહોંચેલા પાટીદાર નેતા ગોપાલ ઇટાલીયા એ રાત્રે 1:00 વાગે facebook લાઇવ કરીને વિદ્યાર્થીઓ કેવી ખરાબ હાલતમાં પોતાની માગણી માટે રાત પસાર કરી રહ્યા છે તે બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ફેસબુક પેજ લાઈવ પર તે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓએ શિયાળાની કડકડતી ઠંડીમાં શૌચાલયોમાં રાત પસાર કરવી પડી હતી. ગોપાલ ઇટાલીયાએ કટાક્ષ કરતા જણાવ્યું કે પોતાની જાતને સંવેદનશીલ કહેનાર મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ બંગલામાં આરામ ફરમાવી રહ્યા છે જ્યારે અન્યાય સામે ઝઝૂમનાર આ વિદ્યાર્થીઓ શૌચાલય માં રાત વિતાવી રહ્યા છે. શું સરકારની સંવેદનશીલતા આટલી હદે તળિયે આવી ગઈ છે?

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસથી વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવાના આંદોલન સાથે ગાંધીનગરમાં ભૂખે તરસે પરીક્ષા રદ કરો ની બૂમો પાડી રહ્યા છે, પરંતુ હજુ સુધી ભાજપના એક પણ મંત્રી કે નેતાએ કે ધારાસભ્યએ આ વિદ્યાર્થીઓની મુલાકાત લઈને તેમની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો નથી એટલું જ નહીં પરંતુ હંમેશા સત્તા માટે હલકી કક્ષાની રાજનીતિ કરનાર ભાજપ સરકારના ઈશારે વિદ્યાર્થીઓ પર લાઠીઓ વરસાવવામાં આવી હતી, ત્યારે ગુજરાતના યુવાધન ના આક્રોશને જો સરકાર નહી સમજી શકે તો કદાચ આગામી સમયમાં સરકારે સત્તા ગુમાવવાનો વારો આવશે એ નિશ્ચિત છે.

રૂપાણી સરકારે વિદ્યાર્થીઓને સીટની રચના કરવાની લોલીપોપ આપી પરંતુ સરકાર એ વાત ભૂલી ગઈ છે કે આ કોઈ અભણ નેતાઓ નથી પણ ગુજરાતના શિક્ષિત યુવાનો છે કે જેમણે પોતાની યુવાનીના વર્ષો પોતાની કારકિર્દી બનાવવા માટે વિવિધ પરીક્ષાઓની તૈયારી માં ખર્ચી નાખ્યા છે અને આ યુવાનો સાથે જ્યારે અન્યાય થાય ત્યારે તેઓ તેને કદાપિ સહન કરી શકે નહીં અને આ અન્યાય સામે વિદ્યાર્થીઓ પોતાની માંગ લઈને અડગ જ રહી શકે છે. જો રૂપાણી સરકાર વિદ્યાર્થીઓના આક્રોશને નહીં સમજે અને યોગ્ય નિર્ણય નહીં લે તો કદાચ રૂપાણી ની સત્તા પણ સરકી શકે છે એવું કહેવું અતિશયોક્તિભર્યું નથી. સોશિયલ મીડિયામાં તો સરકાર ઉખેડી નાખવા માટે નો પણ આક્રોશ વ્યક્ત કરાઈ રહ્યો છે. જોકે મોડી સાંજે કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પક્ષપ્રમુખ અમિત ચાવડા અને યુવા નેતા હાર્દિક પટેલે પણ આ વિદ્યાર્થીઓની સાથે રહીને તેમની માગણી બુલંદ બનાવી હતી. વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે પરીક્ષા રદ્દ થવી જોઈએ અને અમે પરીક્ષા રદ કરાવીને જ જંપીશું.