Editorial Gujarat Politics

કૉંગ્રેસના પરેશ ધાનાણી સામે ઝુકયા CM રૂપાણી, મગફળી કાંડ મુદ્દે લીધો મહત્વનો નિર્ણય

મો.ન્યુ.ફો.નેટવર્ક : મગફળી કાંડમાં હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક કમિટિ બનાવવામાં આવે અને તેની ન્યાયિક તપાસ કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગણી સાથે કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણી છેલ્લા કેટલાય દિવસોથી ધરણાંનો કાર્યક્રમ આપી રહયા હતાં. જેને લઇને છેવટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં મગફળીમાં માટી નીકળવાની ઘટનાઓમાં તપાસ માટે હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ ન્યાયિક પંચની જાહેરાત કરી છે.

આમ, ધાનાણીના ન્યાય માટેના ધરણા સામે છેવટે રૂપાણી સરકાર ઝુકી ગઇ છે અને CM રૂપાણીએ રાજ્યના મગફળી કાંડ અંગે નિવૃત્ત હાઇકોર્ટ જજ એચ.કે. રાઠોડની અધ્યક્ષતામાં કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ ન્યાયિક તપાસ પંચની જાહેરાત કરી છે. એચ.કે. રાઠોડની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસ પંચ આ સમગ્ર રાજ્યોમાં મગફળીના વિવિધ ગોડાઉનોમાં લાગેલી આગ અને ગોડાઉનોમાં રાખેલી મગફળીમાંથી કાંકરા અને માટી નીકળવાની ઘટનાઓ ની તપાસ કરશે.

ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ના આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું હતુ કે, ગોંડલ, શાપર(વેરાવળ), હાપા(જામનગર), ગાંધીધામ(કચ્છ) એમ ચારેક ગોડાઉનમાં મગફળીના જથ્થામાં લાગેલી આગ અંગે સરકારે શરૂઆતથી જ સી.આઇ.ડી. ક્રાઇમને તપાસ સોપી હતી અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીને પણ આ તપાસમાં જોડી હતી. આ તપાસ પ્રક્રિયા ચાલુ છે અને રાજય સરકાર કોઇપણ દોષિતને છોડવાની નથી.