Editorial Gujarat Politics

પરપ્રાંતીયો પર હુમલા મુદ્દે ગુજરાત મોડેલની છબી ખરડાતી અટકાવવા CM રૂપાણી આનંદીબેનને અનુસરશે ખરા?

મો.ન્યુ.ફો.નેટવર્ક (સુના સો ચુના) : આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા ગુજરાતમાં પાટીદાર આંદોલનને લઈને ભાજપની છબી ખરડાતા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપી દીધું હતું, ત્યારે એકવાર પુન: ગુજરાતમાં પાટીદાર આંદોલન, ખેડૂતોનું આંદોલન  તેમજ પરપ્રાંતીયોના ઉપર થયેલા હુમલાને લઈને ગુજરાતની છબી ખરડાઇ છે ત્યારે વર્તમાન મુખ્યમંત્રી રૂપાણી એ પણ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ એવી ચર્ચાઓ જાગી છે.

છેલ્લાં ઍક અઠવાડિયાથી ગુજરાતમાં પરપ્રાંતીય લોકો પર થતાં હુમલાને લઇને મોદીના ગુજરાત મોડેલની છબી ખરડાઈ ગઈ છે. શાંતિ માટે જાણીતું ગુજરાત, સુરક્ષા માટે જાણીતું ગુજરાત હવે આંદોલન અને હિંસાને લઈને બદનામ થઈ રહ્યું છે. ત્યારે આ મુદ્દે પીએમ મોદી રૂપાણી સરકાર થી ખૂબ જ નારાજ હોવાનું જાણવા મળેલ છે.

જોકે મોદીના દિલ્હી ગમન બાદ મુખ્યમંત્રી નું પદ સંભાળનારા આનંદીબેન પર પાટીદાર આંદોલનને લઈને આક્ષેપો થતાં પક્ષની છબી ન ખરડાય તે માટે તેમણે નૈતિકતાથી સોશિયલ મીડિયા દ્વારા રાજીનામું આપી દીધું હતું . જોકે આનંદીબેનના શાસનમાં માત્ર પાટીદાર આંદોલન તેજ હતું, જ્યારે આજે પાટીદાર આંદોલન ઉપરાંત ખેડૂતોનું આંદોલન , ફિક્સ પગારવાળા લોકોનું આંદોલન, ઓબીસી સમાજનું આંદોલન જેવા અનેક આંદોલન રૂપાણી સરકાર સામે થતા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની છબીને ભારે નુકસાન ગયું છે તેમાં જ ગુજરાત મોડેલ ને લઈને નરેન્દ્ર મોદીને પણ નીચું જોવા જેવું થયું છે.ત્યારે શુ રૂપાણી પણ આનંદીબેન ની જેમ નૈતિકતા દાખવી રાજીનામું આપશે ખરા ? એ મુદ્દે ચર્ચા જાગી છે.