ઊંઝા નગરપાલિકા,તાલુકા પંચાયત બાદ હવે મામલતદાર કચેરીમાં પણ અધિકારીઓની બદલી માટે PMO માં ફરિયાદ !

0
832

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના)  : છેલ્લા ઘણા સમયથી ઊંઝાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. મોટી રાજકીય ચહલપહલ વચ્ચે સ્થાનિક સરકારી કચેરીઓ ના અધિકારીઓની પણ બદલીઓનો દોર શરૂ થયો છે, ત્યારે નગરપાલિકામાં એક નહિ પરંતુ બે વખત એકાએક ચીફ ઓફિસરોની બદલી કરાતા આ મુદ્દો ઊંઝાના રાજકારણમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ત્યારે ઊંઝા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની પણ એકાએક બદલી થઈ ગઈ છે.

ઊંઝા તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળનાર ડોક્ટર રાજેશ પટેલ પાસેથી ચાર્જ હવે નવા તાલુકા વિકાસ અધિકારી મનુભાઈ પટેલને સોંપવામાં આવ્યો છે. હાલમાં ઊંઝા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી નો ચાર્જ મનુભાઈ પટેલને સોંપવામાં આવ્યો છે. ત્યારે હવે ઊંઝા મામલતદાર કચેરીમાં પણ મામલતદાર સહિતના કેટલાક અધિકારીઓની બદલીના ભણકારા વાગી રહ્યા હોવાનું ઊંઝા નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઊંઝા મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી લાલિયાવાડી ચાલી રહી હોવાના અહેવાલો અવારનવાર માધ્યમોમાં પ્રકાશિત થતા રહે છે. જોકે સરકારી યોજનાના ફોર્મ પણ અરજદારોને કચેરીમાંથી જે વિનામૂલ્યે મળવા જોઈએ તે ફોર્મ અરજદારોએ બહાર ઝેરોક્ષ માંથી પૈસાથી ખરીદવા પડે છે. આ ઉપરાંત કોઈ પ્રમાણપત્ર મેળવવા માટે વિટામીન M નો વ્યવહાર તો કરવો જ રહ્યો ! જેને લઇ ઊંઝાના જાગૃત યુવાનો દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલયમાં મામલતદાર ની બદલી માટે ફરિયાદ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ ગુજરાતના મહેસુલ મંત્રી કૌશિક પટેલ ને પણ મામલતદાર બદલવા માટે ટેલિફોનિક જાણ કરવામાં આવી હોવાના અહેવાલો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આખરે મામલતદાર કચેરીમાં મામલતદાર સહિતનો સ્ટાફ બદલાશે કે કેમ ?