Gujarat Politics

કૉંગ્રેસે હાર્દીકને હેલિકોપ્ટર ફાળવતાં Dy. CM નીતિન પટેલને ઈર્ષ્યા આવી :બેરોજગાર હવામાં પ્રચાર કરે છે

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક :  ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને આડે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા એકબીજા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જોકે થોડાક સમય અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મૈં ભી ચોકીદાર’ અભિયાન શરૂ કર્યું હતું. જેને લઇને ભાજપના અનેક ધારાસભ્યો સાંસદોએ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લગાવ્યો હતો. ત્યારે તેની સામે કોંગ્રેસના હાર્દિક પટેલે ‘મૈં હુ બેરોજગાર’ કેમ્પેન શરૂ કર્યુ હતું જેને લઈને હાર્દિક સહિત ગણા કૉંગ્રેસના નેતાઓએ પોતાના નામની આગળ ‘બેરોજગાર’ શબ્દ લગાવ્યો હતો.

જોકે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને સ્પેશ્યલ હેલિકોપ્ટર ફાળવવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિક પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે હવે તો ગુજરાતમાં બેરોજગારો પણ હેલિકોપ્ટર લઈને ફરે છે.વધુમાં હાર્દિક પટેલના હેલિકોપ્ટરમાં સવાર ફોટો અને વીડિયો મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૉંગ્રેસના બેરોજગાર નેતા હેલિકોપ્ટરમાં ફરે છે અને અમે જમીન ઉપર કામ કરી રહ્યા છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનો યુવા નેતા હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી માટે સૌથી મોટો સ્ટાર પ્રચારક બન્યો છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા બાદ હાર્દિક પટેલ ત્રીજા નંબરનો સૌથી મોટો સ્ટાર પ્રચારક છે. કોંગ્રેસે હાર્દિકને ચૂંટણી પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર ફાળવ્યું છે. જોકે હાર્દિકને હેલિકોપ્ટર ફાળવવા ને લઈને ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓને હાર્દિકની ઈર્ષા આવતી હોય તે સ્વાભાવિક છે.