કૉંગ્રેસયુક્ત ભાજપ અભિયાન : કૉંગ્રેસમાં રહી સિંહની જેમ ગર્જના કરનાર નેતાઓની પૂંછડી ભાજપનો ખેસ ધારણ કરતાં કેમ દબાઈ જાય છે?

0
16

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : 2014માં નરેન્દ્ર મોદી ગુજરાતની ગાદી છોડી દિલ્હીની ગાદી સંભાળવા ગયા બાદ ગુજરાત ભાજપે સત્તા ટકાવી રાખવા એક અનોખી સ્ટ્રેટેજી અપનાવી છે. આ રણનીતિ મુજબ, કોંગ્રેસના ધારાસભ્યોથી લઈ પૂર્વ સાંસદોને પક્ષમાં લાવવામાં આવી રહ્યા છે. આજે આ યાદીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો પણ ઉમેરો થયો છે. આ રણનીતિને કારણે ભાજપનું ‘કોંગ્રેસમુક્ત’ ભારતનું સપનું સાકાર કરવાનું તો દૂર રહ્યું ખુદ ભાજપ ‘કોંગ્રેસયુક્ત’ બની રહ્યો છે.

લોકસભા 2014ની ચૂંટણી બાદ કોંગ્રેસના 17 ધારાસભ્ય કક્ષાના અને એક સાંસદ કક્ષાના નેતાએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.જો કે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા 18 નેતાઓમાંથી માત્ર ત્રણ એવા કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ને પક્ષ પલટો ફળ્યો છે. આ ત્રણેય નેતાઓ હાલ રૂપાણી સરકારમાં મંત્રીપદે છે. જ્યારે બળવંતસિંહ રાજપૂત જીઆઈડીસીના ચેરમેન અને જીવાભાઈ પટેલ જીએમડીસીના ચેરમેન છે. આ સિવાય ચાર નેતાઓ સી.કે રાઉલજી, આશા પટેલ, રાઘવજી પટેલ અને પસોત્તમ સાબરિયા ધારાસભ્ય છે. જ્યારે બાકીના 9 નેતાઓ પાસે કોઈપણ પ્રકારનો હોદ્દો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં રહીને સિંહની જેમ ગર્જના કરનારા આ નેતાઓની ભાજપનો ખેસ ધારણ કરતાં જ શા માટે પૂંછડી દબાઈ જાય છે?

સૌજન્ય : સોશ્યલ મીડિયા

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાતળી બહુમતી(99 બેઠક) મેળવ્યા બાદ મોટાપાયે કોંગ્રેસના ધારાસભ્યો ખેડવવાની શરૂઆત કરી હતી. જેમાં સૌપ્રથમ જુલાઈ 2018માં કુંવરજી બાવળિયાના ભાજપ પ્રવેશ સાથે કોંગ્રેસના ધારાસભ્યોનું રાજકીય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાવળિયા બાદ અન્ય 6ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. જેમાં ડૉ.આશા પટેલ, જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા, વલ્લભ ધારવિયા અને 18 જુલાઈએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. આમ છેલ્લા એક વર્ષમાં કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.