Editorial Gujarat National Politics Trending

કૉંગ્રેસના મહિલા MLA ડો.આશાબેન પટેલે PM મોદીને પત્ર લખી ગુજરાતના વિધાર્થીઓ માટે ખાસ નિર્ણય માટે કરી માંગ

મો.ન્યુ.ફો.નેટવર્ક :  ગુજરાત ની રૂપાણી સરકાર દ્રારા જાહેર કરાયેલ નવરાત્રિ વેકેશન ને લઇને ભારે વિવાદ જાગ્યો છે,ત્યારે ઊંઝા કૉંગ્રેસ ના મહિલા ધારા સભ્ય ડો.આશાબેન પટેલ દ્રારા PM મોદી ને સંબોધી ને ઍક ખુલ્લો પત્ર લખાયો છે,  જે પત્ર ની ઍક નકલ CM રૂપાણી ને પણ મોકલેલ છે.જેમાં નવરાત્રિ વેકેશનને વિદ્યાર્થીઓ ના અહિતમાં હોવાનું જણાવી તેને રદ કરવાની માંગ કરાઈ છે.

 

ડો.આશાબેન પટેલનો PM મોદી ને સંબોધીને લખાયેલ પત્ર…

માનનીય પ્રધાનમંત્રીજી,
દિલ્હી,ભારત સરકાર.

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણની ગુણવત્તા વધે તે માટે “મિશન વિદ્યા” અભિયાન શરુ કરવામાં આવ્યું છે જે ખુબ જ આવકારદાયક નિર્ણય છે અને તેનાથી શિક્ષણની ગુણવત્તામાં ખૂબ મોટી સફળતા મળવાની શક્યતા છે. પરંતુ આપની સરકાર દ્રારા નવરાત્રી વેકેશન જેવા શિક્ષણ માટે ના અહિતકારી નિર્ણયોથી “મિશન વિદ્યા” અભિયાન પાછળનો મૂળ હેતુ સફળ નહીં થાય. અને એવું બને કે “મિશન વિદ્યા” અભિયાન કાયમ માટે ચલાવવાની ફરજ પડે. આમ થવાથી બાળકો શાળાથી વિમુખ થતા જશે.

આપની સરકારના આ નિર્ણય સામે આજે પણ ખાનગી શાળાઓ સરકાર સામે મેદાને પડી છે.એટલું જ નહીં,આ વેકેશન વાલીઓ અને વિધાર્થીઓ માટે બિન ઉપયોગી છે, ત્યારે આપને જણાવવાનું કે વેકેશન બાદ તરત જ   પ્રથમ વાર્ષિક પરીક્ષા ગોઠવવામાં આવી છે.મોટા શહેરોમાં તો કદાચ વિધાર્થીઓ કોચિંગ કલાસીસ માં પણ જતા હોય છે,પણ ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો તો સીધા જ નવરાત્રિ બાદ પરીક્ષામાં ઉપસ્થિત થશે,જેઓ ને અભ્યાસમાં કોઈ મુશ્કેલીઓ હશે તો તેઓ કેવી રીતે ઉકેલશે ? આપ કદાચ માહિતગાર હશો જ કે ધો-૧૦ ના વિદ્યાર્થીઓની આ પ્રથમ પરીક્ષાના માર્કસ એ શાળા દ્રારા બોર્ડમાં અપાતા 30 માર્કસ ની ગણતરીમાં લેવાય છે.

ગુજરાતમાં ૪૪,૪૪૫ પ્રાથમિક શાળાઓમાં ૯૦.૧૨ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ૧૧,૪૭૮ શાળાઓમાં ૨૬.૯૨ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એટલે કે માત્ર શાળાકીય શિક્ષણમાં ૧.૧૭ કરોડ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોલેજના વિદ્યાર્થીઓની આમાં ગણતરી કરેલ નથી. તે આંકડો જો ઉમેરીએ તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા લગભગ ૧.૫૦ કરોડ સુધી પહોંચે છે.

હાલમાં પ્રથમ સત્ર જુનની ૧૫ તારીખથી શરુ કરવામાં આવે છે. પ્રથમ સત્ર બીજા સત્ર કરતા ૨૦ દિવસ જેટલું ઓછું હોય છે અને તેમાં પણ પ્રવેશોત્સવ, ગુણોત્સવ, ખેલ મહાકુંભ, વિજ્ઞાન-પ્રદર્શન, શ્રાવણ માસના વિવિધ તહેવારો આવે છે જેથી શિક્ષણ માટે આમ પણ પુરો સમય મળતો નથી. પ્રથમ સત્રમાં ચોમાસુ પણ હોય છે જેથી વરસાદ તથા તેને કારણે થતી બિમારીઓના કારણે વિદ્યાર્થીઓની ગેરહાજરીના પ્રશ્નો રહેતા હોય છે. આમાં આ રીતે અચાનક આપેલ નવરાત્રીનું વેકેશન શિક્ષણના સાતત્યમાં અવરોધરૂપ બનશે. આમ પણ સરકારી શાળામાં શિક્ષણ સિવાયના અન્ય વિભાગોના કાર્યક્રમો સફળ બનાવવાનું ભારણ હોય છે. જેથી શિક્ષણ માટે ઓછો સમય મળે છે.

કોઈ પણ દેશના ભવિષ્ય માટે શિક્ષણ પાયો છે એમાં પણ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માટે શિક્ષણ પ્રાણપ્રશ્ન રહ્યો છે તો શિક્ષણના હિત માટે આપ નવરાત્રી વેકેશન રદ કરીને મૂળ જે શૈક્ષણિક સમય-પત્રક છે તેને ચાલુ રાખો એ જ ગુજરાતના શિક્ષણના હિતમાં છે.