કોરોના ઈફેક્ટ : મોદી સરકારે સાંસદોના વેતન,ભથ્થાં અને પેન્શનમાં ૩૦ ટકાનો કર્યો ઘટાડો

0
634

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : કોરોના વાયરસના સંક્રમણના મુશ્કેલ સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીમંડળ સાથે મીટિંગ કરી હતી. મીટિંગ બાદ કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે લીધેલા નિર્ણયોની જાણકારી અપાઈ. જાવડેકરે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને ઉપરાજ્યપાલના પગારમાં પણ સ્વેચ્છાએથી 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે સરકારે સોમવારે એક મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટે સાંસદોના વેતન, ભથ્થા અને પેન્શનમાં 30 ટકા કાપ મૂકવા માટે મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ એક્ટ 1954માં સંશોધનના આદેશને મંજૂરી આપી દીધી છે. કેબિનેટનો આ નિર્ણય 1લી એપ્રિલ 2020થી 1 વર્ષ માટે લાગુ કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી, કેબિનેટ મંત્રી સહિત સંસદના બધા સદસ્યો આવશે.

સાંસદોએ બે વર્ષની રકમનો ઉપયોગ પણ કોરોના સામે લડવા માટે કરવાનો રહેશે. જાવડેકરે કહ્યું કે, તેનાથી 7900 કરોડ રૂપિયા એકઠા થશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સામે લડવા ભંડોળ એકઠું કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને PM રાહત ફંડમાં દાન આપવાની જાહેરાત કરી હતી. જે બાદ દેશભરમાંથી સેલેબ્રિટી અને સ્પોર્ટ્સ જગતના લોકો દાન આપી રહ્યા છે. ત્યારે હવે સાંસદોના પગારમાં પણ કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.