પત્રકાર ધવલ પટેલને છોડી મુકવા ઉઠી માંગ : પાટણ જિલ્લાના પત્રકારોએ આવેદન આપ્યા

0
15

મોર્નિંગ ન્યુઝ ફોકસ, પાટણ : પત્રકાર લોકશાહીનો ચોથો સ્તંભ છે. લોકશાહી જીવંત રાખવા માટે આ ચારેય સ્તંભ મજબૂત હોવા જરૂરી છે. પરંતુ જ્યારે લોકશાહીનો એક સ્તંભ બીજા સ્તંભને તોડવા માટે કોશિશ કરે છે ત્યારે સ્વાભાવિક છે કે લોકશાહી જીવંત છે તેવો માત્ર એસાસ કરીને જ સંતોષ માનવો પડે છે. ગુજરાતમાં રૂપાણી સરકારના શાસનમાં પત્રકારો ને ઘણીવાર રિપોર્ટિંગ કરતી વખતે મુશ્કેલીઓ પણ વેઠવી પડતી હોય છે. સરકારની વિરુદ્ધમાં જો કોઈ નાના અખબારનો પત્રકાર એક સ્ટોરી બનાવી દે તો સરકાર જાણે હચમચી જતી હોય છે જેની પ્રતીતિ કરાવતો કિસ્સો ધવલ પટેલ જેવા પત્રકાર પર લગાવેલ રાજદ્રોહની કલમ છે. જોકે ગુજરાતના નાના-મોટા પત્રકાર યુનિયનો દ્વારા ધવલ પટેલ ને છોડવા માટે હવે આવેદનો આપવાની શરૂઆત થઇ છે અને ધવલ પટેલને છોડવાની માગણી કરાઈ રહી છે.

તાજેતરમાં ‘ ફેશ ઓફ નેશન ‘ નામની એક વેબસાઈટના પત્રકાર ધવલ પટેલે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતાના સમાચાર લખ્યા હતા જેનું રૂપાણી સરકારને એટલું બધું ખોટું લાગી આવેલ કે ધવલ પટેલની ધરપકડ કરી તેની પર રાજ્દ્રોહ  જેવી કલમ લગાવી હતી જેને લઇને સમગ્ર ગુજરાતના પત્રકારોમાં ભારે રોષ ની લાગણી જન્મી હતી ત્યારે લોકશાહીની ચોથી જાગીર ગણાતા મીડિયાના આ કર્મીને છોડાવવા માટે ગુજરાતનાં વિવિધ જિલ્લાઓ શહેરોમાંથી પત્રકાર યુનિયનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે અને ધવલ પટેલને છોડવાની માગ બુલંદ બની રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો આ જ માપદંડને આધારે અફવા ફેલાવાનો ગુનો નોંધાતો હોય તો, ભાજપના જ નેતા સુબ્રમણિયન સ્વામીએ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરી આનંદીબહેન પટેલને મુકવા જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. તેવી જ રીતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે તેવું કથિત નિવેદન કર્યું હતું.