Gujarat Lifestyle

ગુજરાતના આ ગામમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છતાં પણ મતદાન 95 ટકા થાય છે,જાણો કારણ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ગાંધીજી એ ગ્રામ સ્વરાજ્ય નું સ્વપ્ન જોયું હતુ જે હજુ સુધી સંપૂર્ણ પૂર્ણ થઈ શક્યું નથી. પણ નરેન્દ્ર મોદી ના મુખ્યમંત્રી કાળ દરમિયાન અનેક ગામડા આદર્શ ગામ બન્યાં છે.આજે કેટલાંક ગામ એવા પણ છે જ્યા ચૂંટણીઓ ની કોઈ અસર જ જોવા મળતી નથી છતાં પણ 95 ટકા થી વધારે મતદાન આ ગામડાઓમાં થાય છે,જેનો યશ ગામની જાગૃત જનતા ના ફાળે જાય છે.ગુજરાતના રાજકોટ તાલુકામાં પણ એક એવું ગામ છે જયાં કોઈ ચૂંટણી પ્રચાર જ થતો નથી છતા પણ 95 ટકા જેટલું મતદાન થાય છે.

આદર્શ ગામ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર રાજકોટ તાલુકાના રાજસમઢિયાળા ગામમાં 1983થી કોઇજાતનો ચૂંટણી પ્રચાર થતો નથી કે નથી કોઇ જાતની સભા-સરઘસ યોજવાની મંજૂરી. 36 વર્ષ પહેલાં 1983માં જ્યારે સહકારી ક્ષેત્રના અગ્રણી હરદેવસિંહ જાડેજા સરપંચ બન્યા ત્યારે પ્રથમ વખત 19 નિયમ ઘડવામાં આવ્યા હતા અને ત્યારથી ગામમાં રાજકીય પાર્ટીનો પ્રચાર બંધ કરાવી દીધો હતો અને સભા-સરઘસ પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો.

ગામમાં રાજકીય પ્રવૃત્તિનું દૂષણ ન પ્રવેશે તે માટે ઘડાયેલા નિયમોનું આજેપણ ચુસ્તપણે પાલન કરવામાં આવે છે, તો બીજીબાજુ કોઇપણ ચૂંટણી હોય મતદારોને મતદાન કરવું ફરજિયાત છે.કોઇ મતદાર મતદાન ન કરે તો ગ્રામપંચાયત દ્વારા બીજા દિવસે જ તેની પાસેથી રૂ.51નો દંડ વસૂલવામાં આવે છે. કોઇ રાજકીય પાર્ટી પ્રચાર માટે આવે તો ગ્રામપંચાયતની કચેરીમાં આવી સહકાર માંગી ચાલી જાય છે. ગામમાં 19 નિયમના બોર્ડ લગાવાયા છે. એટલું જ નહીં 1956થી રાજકોટ તાલુકાના પાંચ ગામોમાં ચૂંટણી થઇ ન હતી. જેમાં રાજસમઢિયાળા, અણિયારા, લીલી સાજડિયાળી, ઢાંઢણીનો સમાવેશ થાય છે, જ્યારે સૂકી સાજડિયાળી ગામે આઝાદી બાદ પ્રથમ વખત ચૂંટણી થઇ છે.