Breaking : ઊંઝાના ધમા મિલનને પાસા હેઠળ જેલમાં ધકેલાયો, જાણો- શુ હતું કારણ ?

0
1344
મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા :  એક સમયે ઊંઝાના ગણેશ આર્કેડમાં જુગારધામ ચલાવનાર ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમા મિલનની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. ધમા મિલનની પાસા હેઠળ અટકાયત કરાયા બાદ તેને કોવિડ ટેસ્ટ માટે મોકલાયો હતો. ત્યારબાદ તેને પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલવામાં આવી શકે છે.
ગતરાત્રે મહેસાણા એસ.ઓ.જી.એ ધમા મિલનની અટકાયત કરી હતી. જોકે ધમા મિલનના જુગારધામ પર પાડેલા દરોડા ને લઈને મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા મહેસાણા કલેકટરને પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત મંજૂર થતાં ધમા મિલનની અટકાયત કરીને તેની સામે પાસાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
અત્રે નોંધનીય છે કે આશરે પાંચ માસ અગાઉ ઊંઝાના જય વિજય સોસાયટીમાં આવેલા ગણેશ આર્કેડમાં ધમા મિલનનું જુગારધામ ચાલતું હતું આ જુગારધામ પર મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ખાનગી બાતમીના રાહે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા પાડયા ત્યારે પોલીસે ફિલ્મી ઢબે જુગારધામમાં પ્રવેશીને ધમા મિલન સહિત નવ જેટલા જુગારીયાઓની અટકાયત કરી હતી જેને લઇને મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા પાસાની દરખાસ્ત કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે જય વિજય સોસાયટી માં આવેલું ગણેશ આરકેડ પણ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ફસાયું હતું.સમય અગાઉ પ્રસિદ્ધ થયેલ મીડિયા અહેવાલો મુજબ જય વિજય સોસાયટી માં આવેલું ગણેશ આર્કેડ ના બાંધકામમાં પરવાનગી ન લેવાઇ હોવાનું થોડા સમય અગાઉ બહાર આવ્યું હતું જેને લઇને આ બાંધકામ તૂટશે કે કેમ તેને લઈને પણ અનેક તર્કવિતર્કો થયા હતા. ધમા મિલન ની પાસા હેઠળ અટકાયત થતાં ઊંઝાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.