Gujarat

શુ ખરેખર ગુજરાત સરકારના પૂર્વ સેક્રેટરી નું ગાંધીનગર સિવિલમાં ઉંદર કરડવાથી થયુ મોત? જાણો ચોંકાવનારી હકીકત

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ગુજરાત સરકારના પૂર્વ બ્યુરોક્રેટ્સ 83 વર્ષના જે જી ભટ્ટનું સોમવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું. તેમના મૃત્યુએ ભારે વિવાદ ઊભો કરી દીધો છે. એક તરફ ડોક્ટરોનું કહેવું છે કે, તેમની આંખમાં થયેલી ઈજામાંથી વધારે પડતું લોહી વહી જતાં તેમનું મોત નીપજ્યું છે. જ્યારે ભટ્ટના પરિવારજનોનું કહેવું છે કે, હોસ્પિટલમાં ઉંદરના કરડવાથી તેમનું મોત થયું છે. આમ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ એક મોટા વિવાદમાં સપડાઈ છે. ગાંધીનગર સિવિલ દ્વારા પરિવારના દાવાને નકારી દીધો છે અને કહ્યું કે, અકસ્માતે ઈજા થતા વધારે લોહી વહી જતાં પૂર્વ સેક્રેટરીનું મોત નીપજ્યું છે.

જો કે પરિવારે મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવાની માગ કરી રહ્યો છે. ભટ્ટના પુત્રી દિપ્તીએ મીડિયાને જણાવ્યું કે, ‘સોમવારે સવારે 5.30 કલાકે પરિવારે તેમની ડાબી આંખમાંથી લોહી નીકળતું જોયું. અમે તાત્કાલિક ફરજ પર હાજર ડોક્ટરને જાણ કરી. ડોક્ટર ટાંક લેવા અંગે નિર્ણય ન લઈ શક્યા જેથી ટાંકા ન લેવાયા. રેટિના પર ઈજા થયા અંગે પણ કોઈ સ્પષ્ટતા ન હતી. હું અમે મારી બહેન નિઃસહાય હતા, અમે બીજા ત્રણ કલાક સુધી વહેતા લોહીને એકઠું કરતા રહ્યા. જ્યારે હોસ્પિટલની ઓથોરિટીઝને લાગ્યું કે હવે બચવાનો કોઈ ચાન્સ નથી, એટલે ટાંકા લીધા.’

ગુજરાત સરકારના ઈકોનોમિક અને સ્ટેટેસ્ટિક ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર ભટ્ટની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી સારી ન હતી અને કિડનીમાં ઈન્ફેક્શન થઈ જતાં તેમને 30મી જૂને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દીપ્તિ એ વધુમાં જણાવ્યું કે, ‘તેમની સ્થિતિ નાજૂક હતી અને અમે તે જાણતા હતા. પણ અમને કંઈક સારું થવાની આશા હતી. આ સપ્તાહે અમે તેમની 50મી વેડિંગ એનિવર્સરી ઉજવવાના હતા. તેમણે એ સમયે લવ મેરેજ કર્યા હતા.

તેમણે તેમનું જીવન જીવી લીધું હતું, પણ અમારી ફરિયાદ હોસ્પિટલ સામે છે- તેમણે ટ્રિટમેન્ટ અંગે કેમ ન નિર્ણય કર્યો? અમારે તેમને કેમ આ રીતે તડપતા જોવા પડ્યાં? જ્યાં તેમને રખાયા હતા તે આઈસીયુમાં મારી બહેને ઉંદર જોયો હતો અને સ્ટાફ પણ એ વાતનો સાક્ષી છે.’ દીપ્તીએ કહ્યું કે, તે આ મુદ્દો સ્વાસ્થ્ય મંત્રી સમક્ષ ઉઠાવવા ઈચ્છે છે, જેથી ભારતના સૌથી વિકસીત રાજ્યમાંથી એક રાજ્યની રાજધાનીમાં બીજા કોઈને આ રીતે જીવ ન ગુમાવવો પડે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. નિયતી લાખાણીએ ઉંદર કરડવાનો દાવો ફગાવી દીધો હતો. લાખાણીએ કહ્યું કે, ‘ક્યાંય પણ ઉંદર કરડવાના નિશાન ન હતા અને એવો કોઈ બનાવ અમારા ધ્યાનમાં નથી આવ્યો કે ઉંદરે આંખ કરડી લીધી હોય. આંખની ઈજાનું ઝીણવટથી નિરીક્ષણ કરતા જાણવા મળ્યું કે ડાબી આંખનું ઉપરનું પોપચાને નુક્સાન થયું હતું અને રેટિનાને કોઈ ઈજા થઈ ન હતી. તે કદાચ તેમના હાથની આંગળીએ લગાવેલું પલ્સ ઓક્સિમીટર આંખ પર ઘસાવાને કારણે થયું હોઈ શકે છે. તેઓ હાર્ટ પેશન્ટ હતા, જેમણે એન્જિયોપ્લાસ્ટિ પણ કરાવેલી હતી. જેથી, અમે લોહી પાતળું થવાની દવા આપતા હતા અને વધારે લોહી નીકળવાનું એ જ કારણ છે.’

About the author

Editor