શિક્ષણમંત્રીને સીધો સવાલ : છેલ્લા ચાર વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓમાં ૨૬%નો ઘટાડો કેમ થયો?

0
15
શિક્ષણ નીતિના ઘડવૈયાઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને 
સમાજશાસ્ત્રીઓ માટે એક પડકાર…..
ધોરણ બાર (વિજ્ઞાન પ્રવાહ)નું પરિણામ 
ગુણવત્તાની દ્રષ્ટિએ સતત ખુબ જ નબળું પડી રહ્યું છે…..
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જયેશ શાહ ) : આજે જાહેર થયેલ ધોરણ બાર (વિજ્ઞાન પ્રવાહ)ના પરિણામ ઉપર છેલ્લા ચાર વર્ષના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે તેમાં વિજ્ઞાન પ્રવાહના પરિણામની ગુણવત્તાને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ વર્ષે માર્ચ ૨૦૨૦માં વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપનારા કુલ વિદ્યાર્થીઓમાંથી સમગ્ર રાજ્યમાં જેઓએ ૮૧% કે તેથી વધારે માર્ક્સ મેળવ્યા છે તેઓ તો માત્ર ૦૨.૨૪% જ છે અને જેઓ ૭૧% કે તેથી વધારે માર્ક્સ મેળવવામાં સફળ નીવડ્યા છે તેમની સંખ્યા પણ માત્ર ૧૦.૫% જ છે જે ગુજરાત જેવા વિકસિત રાજ્ય માટે ખુબ જ શરમજનક છે.
ધોરણ બારના બોર્ડની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ ૦૧,૧૬,૪૯૪ વિદ્યાર્થીઓમાંથી ૮૩,૧૧૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે હકીકતમાં ધોરણ બારના બોર્ડની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બોર્ડનું કુલ પરિણામ ૭૧.૩૪% આવ્યું છે જે ગત વર્ષ કરતા ૦.૬% અને ૨૦૧૭ કરતાં ૧૧% ઓછું છે. “ગ્રુપ એ”માં ૭૬.૬૨% (૨૦૧૯ કરતાં લગભગ ૦૨.૩% ઓછા અને ૨૦૧૭ કરતા લગભગ ૦૮% ઓછા) અને “ગ્રુપ બી”માં ૬૮.૨૧% (૨૦૧૮ કરતાં ૦૧% ઓછા અને ૨૦૧૭ કરતા ૧૧% ઓછા) વિદ્યાર્થીઓ સફળ થયા છે.
ધોરણ બારના બોર્ડની વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના પરિણામનું ગુણવત્તા આધારિત  વિશ્લેષણ કરીએ તો……  
(૦૧) સમગ્ર ગુજરાતમાં માત્ર ૪૪ વિદ્યાર્થીઓના A1 એટલે કે જેઓના ૯૧% કે તેથી વધારે માર્ક્સ આવ્યા છે. જેઓના ૯૧% કે તેથી વધારે માર્ક્સ આવ્યા છે તેઓ આ વર્ષે માત્ર ૦.૦૪% જ છે જે ગયા વર્ષે ૦.૨% હતા. અમદાવાદ શહેરમાં માત્ર ૦૧, વડોદરામાં એકપણ નહીં, રાજકોટમાં માત્ર ૦૭ વિદ્યાર્થીઓ જ ૯૧%થી વધારે માર્ક્સ મેળવ્યા છે. એકમાત્ર સુરત જિલ્લામાં ૧૯ વિદ્યાર્થીઓએ ૯૧% કે તેથી વધારે માર્ક્સ મેળવ્યા છે.
(૦૨) A2 એટલે કે જેઓના ૮૧% થી ૯૦%ની વચ્ચે માર્ક્સ આવ્યા છે તેઓ આ વર્ષે માત્ર ૦૨.૨% જ છે જે ગત વર્ષે ૦૨.૯ % જ હતા. સમગ્ર ગુજરાતમાં માત્ર ૨,૫૭૬ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડમાં પાસ થયા છે.
(૦૩) A1 અને A2 એટલે કે જેના ૮૧%થી વધારે માર્ક્સ આવ્યા છે તેમનું વિશ્લેષણ કરીએ તો તેવા વિદ્યાર્થીઓ ૨૦૧૯માં ૦૩.૧% હતા તે આ વર્ષે ઘટીને માત્ર ૦૨.૨૪% જ થઇ ગયા છે. સમગ્ર ગુજરાતમાં ૦૧,૧૬,૪૯૪ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૨,૬૨૦ વિદ્યાર્થીઓએ ૮૧%થી વધારે માર્ક્સ પ્રાપ્ત કર્યા છે જે ગયા વર્ષે ૩,૯૪૪ હતા.
(૦૪) B1 એટલે કે જેના ૭૧% થી ૮૦%ની વચ્ચે માર્ક્સ આવ્યા છે તેઓની સંખ્યા ૨૦૧૮માં ૦૬.૫% થઇ હતી તે ૨૦૧૯માં વધીને ૦૭.૯% થઈ હતી તે આ વર્ષે ૦૮.૩% થઈ છે. સમગ્ર ગુજરાતમાં ૦૧,૧૬,૪૯૪ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૯,૬૩૭ વિદ્યાર્થીઓએ ૭૧% થી ૮૦%ની વચ્ચે માર્ક્સ પ્રાપ્ત કર્યા છે.
(૦૫) એનો મતલબ એમ થયો કે આ વર્ષે માત્ર ૧૦.૫% વિદ્યાર્થીઓ જ ૭૧% કે તેથી વધારે માર્ક્સ મેળવવામાં સફળ થયા છે. સમગ્ર ગુજરાતમાં ૦૧,૧૬,૪૯૪ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૧૩,૭૭૨ વિદ્યાર્થીઓએ ૭૧%થી વધારે  માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. આ પરિણામની વિશ્લેષણ એવું સૂચવે છે કે ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધી શકે એવા વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાં આ વર્ષે માત્ર ૧૨,૨૫૭ વિદ્યાર્થીઓ જ છે.
(૦૬) B2 એટલે કે જેના ૬૧% થી ૭૦%ની વચ્ચે માર્ક્સ આવ્યા છે તેઓની સંખ્યા સમગ્ર ગુજરાતમાં ગયા વર્ષે ૧૩.૪% હતી તે આ વર્ષે થોડી વધીને માત્ર ૧૪.૭% જ થઇ છે. આ કેટેગરીમાં શહેરોના આંકડા જોઈએ તો માત્ર રાજકોટ (૨૧.૪%), સુરત (૧૭.૪%), અમદાવાદ (૧૭.૨%) અને વડોદરા (૧૫.૬%) છે જે ગુજરાતની એવરેજ કરતા બહુ વધારે નથી.
(૦૭) C1 અને C2 એટલે કે જેના માર્ક્સ ૪૧% થી ૬૦%ની વચ્ચે આવ્યા છે તેઓની સંખ્યા ગયા વર્ષે ૪૨.૧% હતી તે ઘટીને આ વર્ષે ૪૧.૮% થઇ છે. સમગ્ર ગુજરાતમાં ૦૧,૧૬,૪૯૪ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૪૮,૬૦૬ વિદ્યાર્થીઓના માર્ક્સ ૪૧% થી ૬૦%ની વચ્ચે આવ્યા છે. આમાંના ઓછામાં ઓછા ૬૦% થી ૬૫% વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં સફળ થઇ શકશે નહિ. આ કેટેગરીમાં પાસ થયેલ વિદ્યાર્થીઓ Unemployable સ્નાતક અથવા એન્જિનિયર થશે.
ચિંતાજનક રીતે ધોરણ બાર (વિજ્ઞાન પ્રવાહ)માં 
વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે
ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં લગભગ ૧૧ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. તેની સામે ધોરણ બાર (વિજ્ઞાન પ્રવાહ)માં વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા ચાર વર્ષમાં ઉત્તરોત્તર ઘટી રહી છે. તેના પરિણામે છેલ્લા બે-ત્રણ વર્ષથી એન્જીનીયરીંગની તમામ બેઠકો ભરાતી નથી અને લગભગ ચોથા ભાગની એટલે કે દર ચાર બેઠકે એક બેઠક ઓછામાં ઓછી ખાલી જ રહે છે. આ વર્ષે ૨૦૨૦માં ૧,૧૬,૪૯૪ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપી હતી. ૨૦૧૭માં ૧,૩૮,૮૨૭, ૨૦૧૮માં ૧,૩૪,૩૫૨ અને ૨૦૧૯માં ૧,૨૩,૮૬૦ વિદ્યાર્થીઓએ ધોરણ બાર (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા આપી. એટલે કે ૨૦૧૭ કરતાં ૨૦૨૦માં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનારાઓમાં ૧૬%નો ઘટાડો નોંધાયો છે. જે ખરેખર બહુ જ ચિંતાજનક છે. (ગ્રુપ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા પોસ્ટમાં ફોટોમાં દર્શાવેલ છે).
તેવી જ રીતે ધોરણ બાર (વિજ્ઞાન પ્રવાહ)માં પાસ થનારાઓની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો નોંધાઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૭માં ૧,૧૩,૫૯૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા જયારે આ વર્ષે એટલે કે ૨૦૨૦માં માત્ર ૮૩,૮૧૧ વિદ્યાર્થીઓ જ ઉત્તીર્ણ થઇ શક્યા છે એટલે કે ચાર જ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓમાં ૨૬%નો ઘટાડો નોંધાયો છે.
આવું કેમ થયું તે અંગે શિક્ષણશાસ્ત્રીઓ, સમાજશાત્રીઓ તથા શિક્ષણ નીતિના ઘડવૈયાઓએ ગંભીર રીતે વિચારવાનો સમય હવે પાકી ગયો છે. હવે જો તે અંગે ગંભીર મનોમંથન કરીને ઉપાયો નહીં કરવામાં આવે તો આવતા દસ વર્ષ પછી ગુજરાતની એન્જીનિયરીંગ, મેડિકલ તથા સાયન્સ કોલેજોને ઉચ્ચ ગુણવત્તાવાળા વિદ્યાર્થીઓ મળવામાં મુશ્કેલીઓ ઉભી થશે.