Gujarat Politics

PM મોદીના વતન વડનગરમાં ખેડૂતોને સહાયનો એક પણ હપ્તો મળ્યો નથી,જાણો કારણ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને 6000 રૂપિયા આપવાની જાહેરાત કરાઇ હતી. જેમાં ચૂંટણી પહેલા 2000 ના બે હપ્તા ખેડૂતોને ખાતામાં જમા પણ કરી દેવામાં આવ્યા છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર શહેર અને ખેરાલુ શહેરમાં ખેડૂતોને આજદિન સુધી આ યોજના અંતર્ગત 2000 નો એક પણ હપ્તો મળ્યો નથી જેને લઇને ખેડૂતોમાં ઉગ્ર આક્રોશની લાગણી જન્મી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખેરાલુ અને વડનગર શહેર ના ખેડૂતોને 2000 ના બે હપ્તા માંથી ઍક પણ હપ્તો પણ પ્રાપ્ત થયો નથી. જોકે ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોના ખાતામાં બંને હપ્તા જમા થઈ ગયા છે.પરંતુ વડનગર શહેર અને ખેરાલુ શહેરના ખેડૂતોના ખાતામાં હજુ સુધી એક પણ હપ્તો જમા થયો નથી જેને લઇને વડનગર નગરપાલિકાના કોર્પોરેટર એવા ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ની કિસાન સન્માન યોજના નો લાભ ખુદ પ્રધાનમંત્રીના વતન વડનગરના ખેડૂતોને જ ન મળે એ સૌથી મોટી દુઃખદ બાબત છે. જોકે વડનગર મામલતદારે એવું જણાવ્યું હતું કે ખેડૂતોના ફોર્મ ઓનલાઈન ડેટા એન્ટ્રી પાછળથી થઈ હોય, 20 તારીખ પછી જેમણે ફોર્મ જમા કર્યા છે તેમણે આચારસંહિતા બાદ હપ્તો મળી શકે છે.

તો બીજી બાજુ ખેરાલુ નગરપાલિકાના કોર્પોરેટર વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેરાલું શહેરના ખેડૂતોને સહાય હપ્તા ન મળતાં તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સમક્ષ રજૂઆતો કરવા છતાં પણ કોઈ પરિણામ મળ્યું નથી. જોકે લોકસભાની ચૂંટણીઓમાં 2000 રૂપિયા ની જાહેરાત કરી મોદી સરકારે મત તો લઈ લીધા પરંતુ હજુ સુધી ખેડૂતોને એક પણ હપ્તો ન મળતાં ખેડૂતોમાં ઉગ્ર રોષ છે જેને લઇને ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ કરાઇ છે.