Editorial Gujarat Politics

શુ ખરેખર SMC મેયર જ નથી ઇચ્છતા કે સુરત સ્વચ્છતા ક્રમમાં પ્રથમ ક્રમે રહે?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ સ્વચ્છતા અભિયાન ને કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં સ્વચ્છતા વિશે જબરદસ્ત જાગૃતિ આવી છે એટલું જ નહીં પરંતુ સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ થાય છે અને તેમા દેશના સૌથી સ્વચ્છ શહેરો ને સ્વચ્છતા એવોર્ડ પણ આપવામાં આવે છે. જેમાં ગુજરાતનું સુરત સૌથી અગ્રતાક્રમે રહેલું છે જોકે સુરત સ્વચ્છતા અભિયાન માં અનેક રેકોર્ડ મેળવી ચૂક્યું છે જેની પાછળ સુરતીઓની જાગૃતતા સૌથી મહત્ત્વની હોવાનું માનવામાં આવે છે.

સુરતના વિવિધ વિસ્તારો જેવા કે અડાજણ, પાલ, વેસુ, ઘોડ દોડ રોડ, ભટાર, અલથાણ સહિતના અનેક વિસ્તારોમાં ખાસ કરીને સૌથી જાગૃત વર્ગ વસવાટ કરે છે જેને લઇને આ વિસ્તારોમાં સૌથી વધારે સ્વચ્છતા જોવા મળે છે. સાથે સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સ્વચ્છતા માટે અવારનવાર વિવિધ કેમ્પેઈન હાથ ધરાય છે. પરંતુ સુરતના કતારગામ વિસ્તારમાં આજે પણ ગંદકીનું સામ્રાજ્ય કેટલાક સ્થળોએ જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાના મેયર એક ખુદ કતારગામ વિસ્તારના છે. તેથી આ વિસ્તાર તો સ્વચ્છ હોવો જ જોઈએ પરંતુ દુઃખની બાબતે છે કે આ વિસ્તારમાં જ ગંદકીના અને કચરાના ઢગ ખડકાયેલા જોવા મળે છે.

બીજી બાબત નોંધનીય છે કે સુરતના કતારગામ સાથે સતત અન્યાય થઇ રહ્યો છે. જાણે એક સાવકો પુત્ર હોય એમ આવિસ્તારને સંપૂર્ણ જરૂરી ઉપલબ્ધ સુવિધાઓનો અભાવ છે. જો કે આ અગાઉ પણ નિરંજન ઝાંઝમેરા આ વિસ્તારમાંથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર રહી ચૂક્યા છે, જ્યારે હાલમાં કતારગામ વિસ્તારના ડો. જગદીશ પટેલ પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર છે, છતાં પણ આ વિસ્તારને સંપૂર્ણ સુવિધાઓ માંથી બાકાત શા માટે રાખવામાં આવે છે એનો જવાબ કોઈની પાસે નથી !!!

એટલું જ નહીં આ વિસ્તારમાં રસ્તાઓ નું નિર્માણ તો થાય છે પણ હલકી કક્ષામાં, કારણ કે બે- ત્રણ- ચાર મહિના પછી આ રસ્તાઓ તૂટી જતા હોય છે એ સ્પષ્ટ દર્શાવે છે કે આ વિસ્તારમાં થયેલ રસ્તાઓના કામ માં ભ્રષ્ટાચાર થયો જ હોઈ શકે છે. આ ઉપરાંત આ વિસ્તારોમાં રખડતા ઢોરોનો ભારે ત્રાસ છે પરંતુ હાથ ઉપર હાથ દઈને બેસી રહેલી મ્યુનિસિપલ તંત્ર પાસે આનો કોઇ નક્કર ઈલાજ જ નથી અથવા તો તંત્રની દાનત નથી એ સ્પષ્ટ છે. વળી આ વિસ્તારના મેયર આજ સુધી ક્યારે ગાડીમાંથી બહાર નીકળી પોતાના વિસ્તારની મુલાકાતે નીકળ્યા હોય એવો કોઈ કિસ્સો બન્યો હોય એમ લાગતું નથી. સત્તા મળ્યા પછી સત્તાના નશામાં રાચતા આ શાસકો રસ્તા પર ઉતરે તો જ તેમને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે છે.