Editorial Politics

શુ 2019માં સરકાર બનાવવાના PM મોદીના આત્મવિશ્વાસ પર CM રૂપાણીને ભરોસો નથી? જાણો હકીકત

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના): લોકસભાની ચૂંટણીના પ્રચારમાં વિવિધ રાજકીય પક્ષો જોડાઈ ગયા છે ત્યારે મીડિયા માં તેમજ જાહેર મંચ પર નેતાઓ પોતપોતાના મંતવ્યો આપતા હોય છે, નિવેદન આપતા હોય છે, ત્યારે આ તમામ નિવેદનોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મીડિયા માં કેમેરા ની સામે પોતાનું ઈન્ટરવ્યૂ આપતા હોય છે અથવા તો કોઈ નિવેદન આપતા હોય છે ત્યારે તેઓ પૂરા આત્મવિશ્વાસથી કહે છે કે અમારી જીત નિશ્ચિત છે અને 2019માં પણ અમારી જ સરકાર બનશે.

મોદીને પોતાના પાંચ વર્ષના શાસન દરમિયાન જે કાર્યો થયા છે તેના પર સંપૂર્ણ ભરોસો છે કે તેમના આ પાંચ વર્ષના શાસન દરમિયાન થયેલા કાર્યો તેમને ચોક્કસથી જીત અપાવશે જ. જોકે દેશમાં શિક્ષિત અને યુવાવર્ગ પણ મોદી ની કામગીરીને પસંદ કરી રહ્યો છે. પણ બીજી એક હકીકત એ છે કે મોદી જેટલો આત્મવિશ્વાસ કદાચ ભાજપના બીજા નેતાઓમાં જોવા મળી રહ્યો નથી જે દર્શાવે છે કે આત્મવિશ્વાસ વિનાના આ નેતાઓને ક્યાંક ઊંડે ઊંડે હારનો ડર સતાવી રહ્યો છે.

તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાહોદ ખાતે જ્યારે સભા સંબોધી ત્યારે તેમના ભાષણમાં નરેન્દ્ર મોદી જેવા આત્મવિશ્વાસનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો. તેમના ભાષણમાં તેમને કહ્યું હતું કે જો મહાગઠબંધનને બહુમતી મળી જશે તો તેમનો સવારનો, બપોરનો અને રાતનો વડાપ્રધાન જુદો હશે. આમ બોલીને તેમણે મહાગઠબંધન ઉપર પ્રહારો તો જરૂર કર્યા હતા પરંતુ જો અને તો ની આ ભાષામાં ક્યાંકને ક્યાંક ભાજપની જીત માટે રૂપાણીના આત્મવિશ્વાસનો અભાવ જોવા મળ્યો હતો.

જોકે રૂપાણીએ જે પ્રકારે નિવેદન આપ્યું એ નિવેદન મહાગઠબંધન પર પ્રહાર કરતું જરૂર હતું પરંતુ એ નિવેદન ધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવો ભાજપની જીતનો આત્મવિશ્વાસ પ્રગટ કરવાને બદલે ક્યાંક ને ક્યાંક હાર નો છૂપો ડર વ્યકત કરતું હતુ. કારણ કે મોદી જ્યારે જાહેર મંચ પર કે કોઈ ઈન્ટરવ્યૂમાં નિવેદન આપતા હોય છે ત્યારે તેઓ સંપૂર્ણ આત્મવિશ્વાસથી કહેતા હોય છે કે 2019માં અમારી સરકાર જ બનવાની છે. સામે મીડિયાવાળા સવાલ પૂછે છે ત્યારે પણ મોદી આત્મવિશ્વાસથી જણાવે છે કે દેશની જનતા એ એકવાર પુનઃ અમને આશીર્વાદ આપવાનું મન બનાવી લીધું છે.