Editorial Gujarat

વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના 17 જેટલા તાલુકાઓમાં દુષ્કાળના એંધાણ

મો.ન્યુ.ફો.નેટવર્ક : હવામાન વિભાગના મત મુજબ,પશ્ચિમ બંગાળ ની ખાડીમાં જુલાઈ-ઓગસ્ટમાં ત્રણથી ચાર વખત લો પ્રેશર સિસ્ટમ બને છે, જે ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં વરસાદ લાવે છે. આ વર્ષે ઓગસ્ટમાં માત્ર એક જ સિસ્ટમ બની છે અને એટલે ઉત્તર ગુજરાતમાં વરસાદ હજુ નથી થઇ રહ્યો જેને પરિણામે અડધા ઉત્તર ગુજરાતના માથે હાલ દુષ્કાળનો ખતરો તોળાઇ રહ્યો છે. અડધુ ચોમાસુ વહી ગયું પણ અરવલ્લી અને સાબરકાંઠાને બાદ કરતાં ક્યાંય સંતોષકારક વરસાદ થયો નથી. એમાંય બનાસકાંઠાના 8, પાટણના 6 અને મહેસાણા જિલ્લાના 3 સહિત ઉ.ગુ.ના 17 તાલુકાની તો સાવ ખરાબ સ્થિતિ છે. અહીં 125 મીમી (5 ઇંચ)થી પણ ઓછો વરસાદ થયો છે. જેના કારણે પૂરતું વાવેતર થઇ શક્યું નથી અને જે થયું છે તે પણ હવે સૂકાવાના આરે છે.

સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખરીફ સિઝનમાં 15.82 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે, જેની સામે અાજની સ્થિતિએ 11.87 લાખ હેક્ટર એટલે કે 75 ટકા વાવેતર થઇ ચૂક્યું છે. પરંતુ વરસાદ ખેંચાતાં આ વાવેતર સામે પણ ચિંતાનાં વાદળો ઘેરાયાં છે.એમાંય દુકાળમાં અધિક માસની જેમ ખેડૂતોની નજર નર્મદાના પાણી ઉપર હતી, પરંતુ ડેમમાં જ પાણી ન હોઇ કેનાલમાં પાણી છોડવાનું પણ બંધ કરી દેવાતાં રહી સહી આશાઓ ઉપર પણ પાણી ફરી વળ્યું છે.

બીજીબાજુ સરકારે વરસાદ ખેંચાતાં ઊભી થનાર ઘાસચારાની સ્થિતિને પહોંચી વળવા 17 તાલુકામાં નાના અને સીમાંત ખેડૂતો, જમીન વિહોણા પશુધારક ખેતમજૂરો તેમજ માલધારીઓને 2 રૂપિયે કિલોના ભાવે સુકો ઘાસચારો આપવાની જાહેરાત કરી છે. ખેતીવાડી વિભાગનું માનીએ તો આગામી દસ દિવસ સુધીમાં વરસાદ નહીં થાય તો પાકમાં બગાડ આવવાની શક્યતા છે અને કેટલાક કિસ્સાઓમાં પાક બળી જાય તેવું પણ બની શકે છે.ઘાસચારો અને કઠોળ, કપાસના વાવેતર સદંતર નિષ્ફળ ગયા છે. હવે તો પાકને સુકાતો જોઇને ખેતરમાં જોવા જવાનું પણ બંધ કર્યું છે. ગામમાં 400 ઉપરાંત ગાયોની ઘાસચારા વગર દયનિય સ્થિતિ છે. માલઢોર ભૂખે મરે તેવી પરિસ્થિતિ થઈ છે.