Gujarat Lifestyle National

ગુજરાતીઓ આનંદો ! ડિઝનીલેન્ડ જોવા હવે નહીં જવું પડે વિદેશ, ગુજરાતને મળશે નવી ઓળખ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : આખી દુનિયામાં છ ડિઝની પાર્ક આવેલા છે. જેમાં કેલિફોર્નિયા, ફ્લોરિડા, ટોક્યો, પેરિસ, હોંગકોંગ અને ચીનનો સમાવેશ થાય છે. ભારતમાં એકેય ડિઝનીલેન્ડ હજુ સુધી બન્યું નથી. ત્યારે હવે ભારતમાં ગુજરાતમાં ડિઝનીલેન્ડ બનાવવાના ચક્રો ગતિમાન થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બધું સમૂસુતરું પાર પડે તો ગુજરાતીઓને અમેરિકા તેમજ વિદેશોમાં જ જોવા મળતા ડિઝનીલેન્ડની મજા માણવા હવે વિદેશ નહીં જવું પડે.

મળતી માહીતી મુજબ, ડિઝનીલેન્ડના માલિક ઈન્ડિયામાં પણ એક પાર્ક શરુ કરવા માગે છે, અને તેના માટે તેઓ યોગ્ય જગ્યાની શોધમાં છે. અગાઉ તેઓ મુંબઈની આસપાસ ડિઝનીલેન્ડ બનાવવા માગતા હતા. જોકે, હવે તેમણે પ્લાન બદલ્યો છે અને તેઓ મુંબઈની બહાર અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માગે છે. તેવામાં ગુજરાત સરકારે ડિઝની રાજ્યમાં જ અમ્યુઝમેન્ટ પાર્ક બનાવે તેવા પ્રયાસો શરુ કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ટુરિઝમ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી એસજે હૈદરને રાજ્ય સરકારે ડિઝનીલેન્ડ ગુજરાતમાં લાવવા માટે ખાસ જવાબદારી સોંપી છે. ડિઝનીના માલિકો અમ્યુઝમેન્ટ પાર્ક માટે જગ્યા શોધી રહ્યા છે, અને તેમની શોધખોળ ગુજરાત આવીને અટકે તેવી પૂરી શક્યતા છે. ગુજરાત સરકાર તેના માટે ડિઝનીને કેટલાક ખાસ ફાયદાઓ પણ ઓફર કરી શકે છે. વળી, રાજ્યમાં દુનિયાભરમાંથી ટુરિસ્ટ આવે છે, તે પણ અહીં ડિઝનીલેન્ડ બનાવવાનું એક કારણ બની શકે છે.