Exclusive : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ જ ભાજપ માટે મોટો પડકાર ! મહેસાણામાં પક્ષવિરોધી પ્રવૃતિઓની આશંકા !

0
830

મહેસાણા જિલ્લામાં ભાજપ માં હજુ પણ જૂથવાદ નવા વરાયેલા જિલ્લા પ્રમુખ માટે મોટો પડકાર બની રહેશે.

મહેસાણામાં જૂથવાદને ખાળવા માટે તાલુકાના સંગઠનોમાં હજુ પણ ફેરફાર કરવાની જરૂરિયાત

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ગુજરાતમાં યોજાયેલી આઠ વિધાનસભાની પેટા ચૂંટણી ઉપર ભાજપનો વિજય થયો અને એકવાર પુનઃ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી કદાવર નેતા બનીને ઊભરી આવ્યા. આ પેટાચૂંટણીમાં પક્ષના કાર્યકરોએ એક જુટ બનીને પ્રચાર કર્યો. કોઈપણ પ્રકારનો વિરોધ કે નારાજગી સપાટી પર આવેલી જોવા મળી ન હતી. જોકે ચૂંટણીના પરિણામના આગલા દિવસે 39 જેટલા જિલ્લાઓના પ્રમુખોના નામોની જાહેરાત પણ કરવામાં આવી હતી.

હવે આગામી ડિસેમ્બર થી જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. જોકે આ ચૂંટણીઓ ભાજપ માટે માનવામાં આવે એટલી સરળ નથી. કારણ કે આ ચૂંટણીઓ દરમિયાન ભાજપમાં નારાજગી હશે એવા હોદ્દેદારો અથવા કાર્ય કરો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી શકે છે એનો પણ ભાજપને ઊંડે ઊંડે ભય સતાવી રહ્યો છે.

તો વળી બીજી બાજુ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારો કયા પક્ષના છે તે જોવાને બદલે મતદારો સ્થાનિક ઉમેદવાર કેવો છે એ તરફ વધારે ભાર મૂકે એવું લાગી રહ્યું છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી પણ હવે સક્રિય બની ગઈ છે. તો વળી મહેસાણામાં પણ આમ આદમી પાર્ટી ના શ્રી ગણેશ થઈ રહ્યા છે. ત્યારે ભાજપ માટે હવે કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી એ ભાજપ માટે બીજો મોટો પડકાર બની રહી છે.

બીજી બાજુ ભાજપમાં પણ હજુ બે જૂથ છે અને આ બંને જૂથો પોતપોતાના ઉમેદવારો માટે ટિકિટની માગણી કરી શકે છે. ત્યારે કોઈ એક જૂથને ટિકિટ મળે તો બીજું જૂથ નારાજ થાય એ પણ સ્વાભાવિક છે. અને નારાજ થયેલું જૂથ એ હરીફ જૂથ ને પછાડવા માટે કંઈ પણ કરી છૂટે તો નવાઈ નહીં !જોકે મહેસાણા જિલ્લામાં પણ ભાજપમાં હજુ પણ અંદરખાને જૂથવાદ વકરી રહ્યો છે. ચર્ચાતી વિગતો મુજબ મહેસાણા જિલ્લામાં ભાજપ માં રહીને જ હજુ પણ કેટલાક પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરી શકે છે એવું એક રાજકીય અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરી શકે એવા જૂથને ખાળવામાં કેટલા સફળ થશે ?