Exclusive : 8 માંથી 5 બેઠકો પર કોંગ્રેસના જ આયાતીઓને ભાજપે ટીકીટ ફાળવતાં શુ પાટીલ ખુશ રહેશે ખરા ?

0
2131

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાતના ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ સીઆર પાટીલે પોતાના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન એક પણ કોંગ્રેસીને હવે ભાજપમાં આયાત કરવાની જરૂર નહી રહે એટલે કે ‘ કોંગ્રેસ મુક્ત ભાજપ’ ની વાતો કરી હતી. પરંતુ હાલમાં જે આઠ બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે તેમાં આ જ પ્રદેશ અધ્યક્ષ પાટીલના નેતૃત્વમાં 5 બેઠકો પર ભાજપે કોંગ્રેસના આયાતી ઉમેદવારોને ટિકિટ ની લ્હાણી કરી પાટીલને જ ખોટા સાબિત કર્યા છે. પરંતુ બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે કોંગ્રેસીઓને ભાજપે ટિકિટ ભલે આપી હોય પરંતુ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આ નિર્ણયથી ક્યાંકને ક્યાંક અંદર થી નારાજ છે ! 

જોકે આ આઠ બેઠકો આમ તો અગાઉ કોંગ્રેસના ફાળે હતી પરંતુ કોંગ્રેસના આઠેય ધારાસભ્યોએ પોતાના રાજકીય લાભ ખાંટવા માટે મતદારો સાથે દ્રોહ કરી ને રાજીનામા આપ્યા હતા. ભાજપે અગાઉ આ આઠેય ધારાસભ્યો ને હરાવવા માટે તનતોડ મહેનત કરી હતી, પરંતુ હવે આ કોંગ્રેસના નેતાઓ કે જેમને ભાજપે ટિકિટ ફાળવી છે એમને જીતાડવા માટે એ જ ભાજપે બમણા જોશથી પ્રયત્ન કરવો પડશે. આ આઠ બેઠકોની પેટા ચૂંટણી એ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ માટે એક લિટ્મસ ટેસ્ટ સમાન સાબિત થનાર છે.

આગામી ૩જી નવેમ્બરે યોજાનાર આ આઠ બેઠકોની વિધાનસભાની પેટાચૂંટણી માં ભાજપને જેટલી બેઠકો ઉપર જીત મળે એ તેના માટે ‘વકરો એટલો નફો’ સમાન સાબિત થનાર છે જ્યારે કોંગ્રેસને મોટી ખોટ સાબિત થશે કારણ કે અગાઉ ૮ બેઠકો કોંગ્રેસના ફાળે હતી. જોકે ચર્ચાતી વિગતો મુજબ આઠમાંથી પાંચ સીટો પર ભાજપે જીત મેળવવી ખૂબ જ કઠિન અને અશક્ય માનવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ જો પોતાના આંતર કલહને છોડીને એડી ચોટીનું જોર લગાવશે તો રૂપાણી સરકારની નિષ્ફળતાઓને કારણે કોંગ્રેસને મહત્તમ સીટો પર જીત મળી શકે છે. હાલ તો બંને પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે પરંતુ સમય જ બતાવશે કે કોણ બાજી મારશે !