ખાતરના ભાવવધારને લઈ ખેડૂતોમાં રોષ : ખેડૂતે એવું તે શું કહ્યું કે કેન્દ્રીય કૃષિમંત્રી પરષોત્તમ રૂપાલા અને મંત્રી આર.સી.ફળદુની બોલતી જ બંધ થઈ ગઈ ?

ખાતરના ભાવવધારને લઈ ખેડૂતોમાં રોષ :  ખેડૂતે એવું તે શું કહ્યું કે  કેન્દ્રીય કૃષિમંત્રી પરષોત્તમ રૂપાલા અને મંત્રી આર.સી.ફળદુની બોલતી જ બંધ થઈ ગઈ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  હાલમાં કેન્દ્રની મોદી સરકારના નેતૃત્વમાં મોંઘવારીએ માઝા મૂકી છે.જીવન જરૂરિયાતની દરેક ચીજવસ્તુઓ આજે મોંઘી થઈ છે.ત્યારે કૃષિ દેશમાં ખેડૂતોની હાલત આ વધતી જતી મોંઘવારીને કારણે દયનીય બની રહી છે. મોદી સરકાર ના નેતૃત્વમાં ખેડ, ખાતર અને પાણી ખૂબ જ મોંઘા બન્યા છે. જેને પરિણામે ખેતી કરવી કપરી બની રહી છે. તાજેતરમાં જ ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ત્યારે હવે રોષે ભરાયેલા ખેડૂતો મંત્રીઓને ફોન કરીને તેમની હૈયાવરાળ ઠાલવી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં એક ખેડૂત દ્વારા કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રાજ્ય કેબિનેટ મંત્રી આર.સી.ફળદુને ફોન કરીને તેમની સામે ભાજપ સરકારની બેવડી નીતિ ને લઈને હૈયાવરાળ ઠાલવી હતી. એટલું જ નહીં આ બંને મંત્રીઓની બોલતી બંધ કરી દીધી હતી.

અત્રે નોંધનીય છે કે સમય અગાઉ આજ મંત્રીઓએ લોકોને એવી હૈયાધારણા આપી હતી કે ખાતરના ભાવમાં વધારો નહીં થાય. પરંતુ હાલમાં ખાતરના ભાવમાં 700 રૂપિયા જેટલો વધારો થતાં ખેડૂતો રોષે ભરાયા છે. ત્યારે નખત્રાણાના એક ખેડૂતે કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ફોન કરીને કહ્યું હતું કે, ' પંચાયતની ચૂંટણી વખતે તમે એમ કહેતા હતા કે કોંગ્રેસ ખાતર ઉપર રાજકારણ કરી રહી છે. અને હવે ભાવ વધારો થયો છે તો અમારે ક્યાં જવું ? ખેડૂત નો મિજાજ પારખી ગયેલા રૂપાલાએ મૌન રહેવાનું પસંદ કર્યું હતું.

આ ઉપરાંત આ ખેડૂતે કેબિનેટ કૃષિ મંત્રી આર.સી.ફળદુ ને ફોન કરીને કહ્યું હતું કે, ' તમે જ કહેતા હતા કે ખાતર ના ભાવ નહી વધારીએ. હવે ચૂંટણીઓ પૂરી થતાં ભાવમાં વધારો થયો છે. તમે જ અમને છેતર્યા છે ભાજપ ભાષણોથી ચાલેશે, ખેડૂતોની ખેતી નહી.' તેના બચાવમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ કંપનીઓએ ભાવ વધાર્યા છે.અમે કેન્દ્રને રજૂઆત કરી છે. આમ કૃષિમંત્રી આર.સી.ફળદુ એ લૂલો બચાવ કર્યો હતો. જોકે વાયરલ ઓડિયો મુજબ ખેડૂતની આ દલીલો સામે કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને કેબિનેટ કૃષિમંત્રી આર.સી.ફળદુ ની બોલતી બંધ થઈ ગઈ હતી.