Editorial Gujarat National Politics Trending

ટ્રાન્સપોર્ટર્સની હડતાળને પગલે ગુજરાતના ઉદ્યોગોને દરરોજ આટલા કરોડનું થઈ રહ્યું છે નુકશાન,સરકાર મૌન.

મો.ન્યુ.ફો.નેટવર્ક :  ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવાથી લઈને ટોલ ટેક્સ નાબૂદ કરવા સુધીની વિવિધ માંગોને લઈને દેશભરના ટ્રાન્સ્પોર્ટર્સ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરી ગયા છે. આજે આ હડતાળનું એક અઠવાડિયું થઈ ગયું છે. જેને કારણે ગુજરાતના ઉદ્યોગોને કમરતોડ માર પડ્યો છે.ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)ના અંદાજ મુજબ દેશ ભરના ટ્રાન્સપોર્ટર્સની હડતાળને પગલે ગુજરાતના ઉદ્યોગોને દરરોજનું 15,000 કરોડ રૂપિયાનું નુકાસન થઈ રહ્યું છે.

ટ્રાન્સપોર્ટર્સની હડતાળને કારણે અમદાવાદ સહિતના શહેરોમાં શાકભાજીના ભાવમાં પણ કમરતોડ વધારો જોવા મળ્યો છે, અને આગામી દિવસોમાં ભાવ હજુ વધી શકે તેવી શક્યતા છે. GCCIના પ્રેસિડન્ટ જૈમિન વસાએ કહ્યું કે, “હડતાળને કારણે ઘરેલુ કે એક્સપોર્ટ માર્કેટમાં વચન મુજબ માલ-સામાનની ડિલિવરી નથી કરી શકતા. ફ્યુઅલ અને રૉ મટિરિયલ્સની પ્રાપ્તિ સાથે તૈયાર ચીજવસ્તુઓની નિકાસ માર્ગ પરિવહન પર જ આધારિત છે જો કે હડતાળના કારણે કોઈ વસ્તુ મંગાવી પણ નથી શકતા અને તૈયાર પડેલો માલ મોકલી પણ નથી શકતા.”

સિરામિક, ટેક્સટાઈલ અને ફાર્મસ્યૂટિકલ સેક્ટરમાં ગુજરાત સૌથી મોટું નિકાસ કરતું રાજ્ય છે, હડતાળને કારણે સમયસર બંદર સુધી માલસામાન નથી પહોંચાડી શકાતો જેને કારણે લેટર ઑફ ક્રેડિટ (LCs) પણ એક્સપાયર થઈ રહ્યા છે. જેને કારણે ગુજરાતને ભારે નુકસાન થઈ રહ્યું છે.મોરબી સિરામિક એસોસિએશન (MCA) મુજબ રાજ્યના કુલ 800થી વધુ સિરામિક યૂનિટ્સમાંથી મોરબીમાં કુલ 390 યૂનિટ આવેલાં છે જે મુખ્ય રૂપે કોલસા પર નિર્ભર છે. જોકે મોટાભાગના યૂનિટમાં કોલસાની અછત સર્જાઈ છે. મોરબીમાં પ્રોડક્શ થતા સિરામિકમાંથી 20 ટકાની નિકાસ કરવામાં આવે છે.