Gujarat Politics

શરમ કરો સરકાર ! જાન માંડવે આવી છતાં પીઠી ચોળેલી કન્યાએ પાણીની શોધમાં નીકળવું પડયું

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : રૂપાણી સરકારના સબ સલામતના પોકળ દાવાઓ ની વચ્ચે રાજ્યભરમાં ઉનાળામાં આગ ઓકતી ગરમી વચ્ચે પાણીના પોકાર ઉઠી રહ્યા છે, ત્યારે આદિવાસી બહુમતી ધરાવતો છોટાઉદેપુર જિલ્લો પણ તેમાંથી બાકાત નથી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ફેરકુવા ગામમાં યુવતીને લગ્ન કરવા જતા પહેલાં પીઠી ચોળીને પાણી લેવા જવુ પડ્યુ હતું. જેમાં ઢોલ-નગારા સાથે ગામની મહિલાઓ પણ કન્યા સાથે પાણી ભરવા માટે નીકળી હતી. જોકે પાણીની અછતના કારણે કન્યા સાથે મહિલાઓને પાણી શોધવા માટે ઠેર ઠેર ભટકવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

મળતી માહીતી મુજબ,ગામમાં 20માંથી માત્ર 2 હેન્ડ પંપ જ ચાલે છે.છોટા ઉદેપુર જીલ્લાના ફેરકુવા ગામમાં 700 લોકોની વસ્તી છે.ગામમાં 20 જેટલા હેન્ડ પંપ અને બોર છે. આ ઉપરાંત 5 કૂવા પણ છે. પરંતું તેમાંથી માંડ 2 હેન્ડ પંપ હાલ ચાલુ હાલતમાં છે. ફેરકુવા ગામના લોકો મોટેભાગે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે, ઉનાળાના સમયમાં હાલ પીવાના પાણી માટે ગામની મહિલાઓ વલખા મારી રહી છે, ત્યારે પશુઓની હાલત પણ દયનીય થઇ ગઇ છે. ગામમાં પશુઓ ટેન્કરમાં બહારથી પાણી મંગાવવુ પડે છે. ફેરકુવા ગામના લોકોને પ્રસંગ આવે તે પહેલા પાણીની ચિંતા સતાવતી હોય છે. અને પ્રસંગના દિવસે બહાર ગામથી ટેન્કરમાં વેચાતું પાણી લાવીને પ્રસંગ પુરો કરવો પડે છે.

ગામના કેટલાક યુવાનો ગામથી થોડે દૂર એક બોરમાંથી પાઇપ લાઇન પોતાના ખર્ચે બનાવીને પાણી મેળવવાનો પ્રયાસ પણ કરાઇ રહ્યો છે. છતાં આજ દિન સુધી તેમાં સફળતા મળી નથી. ગામમાં બે પાણીની ટાંકીઓ બનાવી છે, પણ ભરી શકાય તેટલુ પાણી પણ અત્યારે પાણી નથી. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવી ગયો છે. ગામમાં બહારથી પાણી વેચાતુ લાવવુ પડે છે. મીડિયા અહેવાલ મુજબ જે દીકરીના લગ્ન હોય તેને પણ મહેમાનો માટે પાણી ભરવા માટે ગામમાં ભટકવુ પડે છે. તેવી સ્થિતી હોવાં છતાં સરકારી તંત્ર આંખે પાટા બાંધી બેસી રહ્યુ છે.