Exclusive : વાલીમંડળોના વિરોધ સામે સરકાર ઝૂકી ગઈ : 23મી એ શાળા-કોલેજો નહિ ખૂલે, આ રહ્યું મોટું કારણ

0
820

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રણકેલો ફોન કોનો ? અનેક તર્ક-વિતર્ક

વાલીમંડળના વિરોધ સામે સરકારે નિર્ણય બદલવો પડ્યો.

23 મી એ શાળા કોલેજો ખોલવાના નિર્ણય સામે વાલીઓના વિરોધથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને મોટું નુકસાન થવાની ભીતિ હોવાની શક્યતાઓનો અંદાજ.

દિવાળી બાદ મહાનગરો સહિત ગામડાઓમાં પણ કોરોનાના કેસોમાં વધારો થવા લાગ્યો હતો.

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : એક બાજુ કોરોનાના વધતા કેસો વધી રહ્યા છે છતાં પણ ગુજરાત સરકાર 23મી નવેમ્બરથી શાળા-કોલેજો ખોલવાની હઠ લઈને બેઠી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શાળાઓ ખોલવા માટે ની પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે એકાએક તેમનો ફોન રણક્યો હતો અને આ પ્રેસ કોન્ફરન્સના થોડાક સમય બાદ એટલે કે રાત્રીના દસ વાગ્યા આસપાસ સરકારે શાળા-કોલેજો ખોલવા અંગેના નિર્ણયને બદલ્યો હતો અને ૨૩મી નવેમ્બરે શાળાઓ ખોલવાના નિર્ણયને મોકૂફ રાખવામાં આવવાની જાહેરાત કરી હતી.

અત્રે નોંધનીય છે કે દિવાળી પૂર્ણ થતાં જ કોરોના બોમ્બ નો વિસ્ફોટ થયો હતો અને મહાનગરો સહિત રાજ્યમાં કોરોનાના કેસ વધવા લાગ્યા હતા. ત્યારે અમદાવાદમાં બે દિવસના કરફ્યુ અને આવતીકાલથી આગામી સૂચના સુધી નાઈટ કરફ્યુનું એલાન કરાયું ત્યારે જ સ્કૂલો ખોલવા અંગેના નિર્ણયને પડતો મૂકી શકાય છે તેવી અટકળો શરુ થઈ ગઈ હતી. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્કૂલો અને કોલેજો શરુ કરવાની નવી તારીખની જાહેરાત આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. જોકે, સરકારે જાહેરાત કરી છે કે સ્કૂલો અને કોલેજો ખોલવાનો નિર્ણય કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા મોકૂફ રાખવામાં આવ્યો છે.

જ્યારથી રૂપાણી સરકારે 23 નવેમ્બરથી ધોરણ 9થી 12ના વર્ગો ઉપરાંત કોલેજ, યુનિવર્સિટી અને આઈટીઆઈમાં શિક્ષણ કાર્ય શરુ કરવાની જાહેરાતો કરી હતી ત્યારથી જ વાલીમંડળે સરકારના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો. વાલીઓએ સરકારની આ શાળાઓ ખોલવાની તારીખ ને વિદ્યાર્થીઓના ડેથ સર્ટિફિકેટની તારીખ ગણાવી હતી. ત્યારે વાલીઓના આ વિરોધ સામે સરકારે નિર્ણય બદલવો પડયો હતો. બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવનાર છે,, ત્યારે સરકારનો આ વિવાદાસ્પદ નિર્ણય આગામી સમયમાં ભાજપને ભારે નુકસાન કરાવી શકે છે. આમ બાળકોના સ્વાસ્થ્યની ચિંતા ની પરવા કર્યા વિના 23મી નવેમ્બરથી શાળાઓ ખોલવાનો નિર્ણય લેનાર સરકારે છેવટે આ નિર્ણયથી મોટું રાજકીય નુકસાન થવાની સંભાવના જોતાં નિર્ણય બદલ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.