BreakingNews Gujarat Politics Trending

ગુજરાત હાઇકોર્ટનો રૂપાણી સરકારને સૌથી મોટો ફટકો : દેવભૂમિ દ્વારકાની ચૂંટણી રદ કરાતા ખળભળાટ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભુલ હોવાના મામલે થયેલી રીટના અનુસંધાને આજે ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો છે. દ્વારકા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ ભાજપના ધારાસભ્ય પબુભા માણેકના ઉમેદવારી પત્રમાં ભુલ હોવાના મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના આદેશથી ભાજપને વધુ એક ફટકો પડ્યો છે.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે 2017માં યોજાયેલી દેવભૂમિ દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી છે. 2017માં આ બેઠક પરથી ભાજપના પબુભા માણેક ચૂંટાયા હતા. હાઇકોર્ટના આદેશ બાદ હવે પબુભા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશે.

પ્રાપ્ત વિગતો અનુસાર મેરામણભાઈ ગોરીયાએ પોતાના વકીલ મારફતે ચૂંટણી અધિકારીને અરજી કરી હતી કે 20 નવેમ્બર 2017ના રોજ ભાજપના ઉમેદવાર પબુભા માણેકે જે ફોર્મ ભર્યું હતું તેના ભાગ-૧માં ઉમેદવાર કઈ વિધાનસભા લડવા માંગે છે તે દર્શાવેલું ન હતું. આથી તેનું તેમજ તેના પુત્રનું ફોર્મ રદ કરવામાં આવે. આવી અરજી બાદ ચૂંટણી અધિકારીઓએ બંને ઉમેદવારો સામે નોટિસ કાઢી હતી. જોકે, કોંગ્રેસની વાંધા અરજી ન ચાલતા પબુભા આ બેઠક પરથી ચૂંટણી લડયા હતા પણ હાઇકોર્ટના આદેશ બાદ હવે પબુભા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશે.