ગુજરાતીઓ આનંદો ! હવે આ 22 પ્રકારના આવક-વિધવા તેમજ જાતિના દાખલા ગ્રામ પંચાયત માંથી જ મળશે

0
819

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  મુખ્યમંત્રી રૂપાણીએ મંગળવારે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભારત નેટ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધી ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી જોડાયેલા રાજ્યના ૩,૫૦૦ પૈકી ૨,૭૦૦ ગ્રામપંચાયતોમાં પ્રથમ તબક્કામાં આવકનો દાખલો, જાતિનું સર્ટિફિકેટ, વિધવા કે સિનિયર સિટિઝન સર્ટિફિકેટ, રેશનકાર્ડ જેવી સામાન્ય માણસોની જરૂરિયાતની સેવાઓ જે અત્યાર સુધી તાલુકા- જિલ્લા મથકોએ કે ગામડાંઓના ક્લસ્ટર વચ્ચે સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમો મારફતે આપવામાં આવતી હતી તે હવે ગ્રામપંચાયતોમાં અત્યંત સરળપણે ડિજિટલ સેવા હેઠળ ઉપલબ્ધ બનાવવાનો નિર્ણય કર્યો છે.

અત્રે નોંધનીય છે કે ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ દ્વારા પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ માત્ર એક જ ક્લિક વડે પોતાના મોબાઇલમાં whatsapp પર મેળવી શકાય તેવી સુંદર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યાર બાદ મુખ્યમંત્રી દ્વારા ઉપલબ્ધ કરાયેલી આ ડિજિટલ સેવા એ હવે ગુજરાતને સાચા અર્થમાં ડિજિટલ બનાવ્યું છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સેવાસેતુ ડિજિટલ કાર્યક્રમને ૮મી ઓક્ટોબરે લોન્ચ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, અત્યારે ૨૨ જેટલા દાખલા સર્ટી. આ ડિજિટલ કાર્યક્રમ હેઠળ મળવાના છે, પણ ભવિષ્યમાં ૫૦ જેટલા દાખલા આ સેવામાં આવરી લેવાશે. એમણે દેશમાં સૌથી પ્રથમ ગુજરાતમાં આ પ્રકારની ડિજિટલ સેવા શરૂ કરી રહ્યું હોવાનો દાવો પણ કર્યો હતો. ડિસેમ્બર સુધીમાં ૮,૦૦૦ ગ્રામપંચાયતોમાં અને ત્યારબાદ ક્રમશઃ રાજ્યની તમામ ૧૪ હજાર ગ્રામપંચાયતોમાં આ સેવા ઉપલબ્ધ થશે. ઈ-ગ્રામ સેવામાં જોડાયેલા ઓપરેટરોને વર્ષોથી કાયમી નોકરી અપાતી નથી, તેવા એક પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ઓપરેટરોની સેવા આઉટ સેર્સિંગથી લેવાનો અભિગમ છે, પણ હવે જે પ્રત્યેક દાખલા દીઠ રૂ. ૨૦ વસૂલાશે, જેમાંથી રૂ. ૧૬ ઓપરેટરને મહેનતાણા તરીકે અને રૂ.૪ ગ્રામપંચાયતને અપાશે.

તલાટીને હવે એફિડેવિટ કરવા ‘નોટરી’ની સત્તા.

મુખ્યમંત્રીએ આ યોજનામાં એવું પણ જાહેર કર્યું હતું કે, હવે નોટરીની માફક એફિડેવિટ કરવાની સત્તા ગ્રામપંચાયત કક્ષાએ તલાટી-કમ-મંત્રીને અપાશે, જેના કારણે ગામડાંઓમાં લોકોને ઘરઆંગણે એફિડેવિટ કરાવવાની સુવિધા પ્રાપ્ત થશે.

શરૂઆતમાં આ ૨૨ દાખલા ઉપલબ્ધ થશે.

(1) રેશનકાર્ડમાં નામ દાખલ, રેશનકાર્ડમાંથી નામ કઢાવવું, રેશનકાર્ડમાંથી સરનામું બદલવું, નવું રેશનકાર્ડ કઢાવવું, રેશનકાર્ડ અલગ કરવું, ડુપ્લિકેટ રેશનકાર્ડ, રેશનકાર્ડ સભ્યવાલી માટે અરજી,

(2) કામચલાઉ રહેણાંક દાખલો, આવકનો દાખલો, બિનઅનામત જાતિ દાખલો, ભાષાગત લઘુમતીનો દાખલો, વિધવા દાખલો,   ધાર્મિક લઘુમતી દાખલો, વિકસતી-વિચરતી જાતિનો દાખલો,

(3) મુખ્યમંત્રી કૃષિ સહાય, આવકના દાખલા માટે એફિડેવિટ, વિધવા સહાય માટે એફિડેવિટ, રેશનકાર્ડ માટે એફિડેવિટ, જાતિના દાખલા માટે એફિડેવિટ, નામ સુધારવા એફિડેવિટ, અન્ય તૈયાર એફિડેવિટ