Gujarat

રાજયભરમાં વરસાદથી ચારના મોત : બનાસકાંઠામાં કરા પડ્યા, જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ગુજરાતમાં સોમવારથી પલટાયેલા હવામાન બાદ મંગળવારે એકાએક માવઠું પડ્યું છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવન સાથે વરસાદી ઝાંપટા અને કરા પડ્યાં છે. રાજ્યના કુલ 10 જિલ્લામાં કમૌસમી વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના કાંકરેજ અને વાવ તાલુકામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ તથા કરા પડ્યા હતા.

જ્યારેપાકિસ્તાનની સરહદે આવેલા સુઈ ગામથી લઈ પાલનપુર અને ભાભરમાં પણ વરસાદ પડ્યો છે. તેમજ સુઇગામના ચાળા ગામમાં આધેડનું અને વિજાપુરના માલોસણા ગામમાં વીજળી પડતાં એક વ્યક્તિનું મોત થયું છે. તેમજ વિરમગામના વાંસવા ગામે વીજતાર પડવાથી મહિલાનું મોત થયું છે.

જ્યારે મહેસાણા જિલ્લામા ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું અને વીજળીગુલ થઈ હતી. ધાનેરા સહિત બોડર વિસ્તારમાં વરસાદી ઝાંપટા પડ્યાં હતા. તેની સાથે સાથે ડીસા,દિયોદર અને ભીલડીમાં કરા પડ્યા હતા. આ ઉપરાંત કચ્છ જિલ્લાના રાપરના થાનપર ગામ અને આસપાસના ગામમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, સાયલા, વિરમગામ અને લખતરમાં પણ વરસાદ પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે 17 એપ્રિલ સુધી માવઠાંની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ધૂળની ડમરીઓ પણ ઉડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને ઓછી થતાં બે દિવસ લાગી શકે છે. આ કારણે ગુરુવારથી ઉનાળો રાબેતા મુજબનો થઈ શકે છે.