Editorial Gujarat Politics Trending

ગુજરાતમાં ભાજ્પ નહિ કૉંગ્રેસ સત્તામાં હોય તો પણ ખેડૂતોનું સંપુર્ણ દેવું માફ ના કરી શકે કારણ કે….

મો.ન્યુ.ફો.નેટવર્ક (જયેશ શાહ દ્રારા) : કોંગ્રેસે ગાંધીનગરમાં ખેડૂતો અને અન્ય મુદ્દાઓને લઈને વિધાનસભા ને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોના પ્રશ્નો અને ખેડૂતોના લોનની માફી માટે કોંગ્રેસે ખેડૂત આક્રોશ સંમેલન યોજ્યું હતું. લોકશાહી માટે આ તંદુરસ્તીની નિશાની છે કે કોંગ્રેસ હવે ખરેખર વિરોધ પક્ષની ભૂમિકા અદા કરતી થઇ છે. પરંતુ જે મુદ્દાઓને લઈને વિરોધ કરવા નીકળી છે અને જે મુદ્દાઓને લઈને ખેડૂતોને ઉશ્કેરી રહી છે તે મુદ્દાઓ અંગે જો કોંગ્રેસ સત્તા ઉપર આવે તો તે આ જ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે ખરી ?

ખેડૂતોના દેવા માફ કરવાની માંગ અંગે ગુજરાત સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી રિપોર્ટ જુન ૨૦૧૮ આધારિત આંકડાઓને લઈ જોવામાં આવે તો ભાજ્પ તો શુ કૉંગ્રેસ પણ ખેડૂતોનું સંપુર્ણ દેવું માફ કરી શકે ઍમ નથી.કારણકે ગુજરાત માં કુલ ૩૫.૧૯ લાખ ખેડૂતો દ્વારા કુલ ૮૨,૦૭૫ કરોડની લોનની રકમ આઉટસ્ટેન્ડિંગ છે. તેમાં ખેડૂતોની કુલ એનપીએ ૦૫.૨% છે. જો ગુજરાત સરકાર ખેડૂતોની લોન માફ કરી દે તો તે રકમ ૮૨,૦૭૫ કરોડ થાય.

ગુજરાત સરકારનું આ વર્ષનું કુલ બજેટ ૧.૮૩ લાખ કરોડ રૂપિયા હતું. જો ખેતીની તમામ લોન માફ કરી દેવામાં આવે તો તે ગુજરાત રાજ્યના કુલ બજેટના ૪૫% થાય.બીજુ આજે જીએસટીના શાસનમાં રાજ્યમાં કરવેરાના દરમાં ફેરફાર થઇ શકશે નહીં. “એક દેશ એક ટેક્સ” જીએસટી છે. તેના દરમાં વધારો કરીને રાજ્યની આવક વધારી શકાશે નહીં. બીજો એક અન્ય સોર્સ છે તે પેટ્રોલ અને ડીઝલ ઉપર “વેટ” વધારવાનો. શું કોંગ્રેસ આજે જયારે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ચઢી રહ્યા છે તેવા સંજોગોમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર “વેટ” વધારવાની હિંમત બતાવી શકશે?

કોઈપણ પક્ષ આજના સંજોગોમાં આવી હિંમત કરી શકશે નહિ. તો પછી ગુજરાત કોંગ્રેસના નેતાઓ જવાબ આપે કે તેઓ ૮૨,૦૭૫ કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ કરશો તો રાજ્યના બજેટમાં આવક કેવી રીતે વધારશો? ખેડૂતોના દેવાની માફીની વાત કરો ત્યારે તેનાથી ગુજરાત રાજ્યના બજેટ ઉપર જે ભાર પડશે તેને કેવી રીતે સરભર કરવામાં આવશે તે અંગેના વિકલ્પો સૂચવ્યા વગર હાલની ગુજરાત સરકારને તમે કેવી રીતે દબાણમાં લાવી શકશો? આ પ્રશ્નનો જવાબ આંદોલન કરી રહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આપવો જ રહ્યો.

કોંગ્રેસ અને તેમાં પણ કોંગ્રેસના ઉત્સાહિત પ્રમુખ રાહુલ ગાંધી હંમેશા કહે છે કે ભાજપ ઉદ્યોગપતિઓને પુષ્કળ લાભ આપે છે તેની સામે ગરીબો અને ખેડૂતોને ખુબ જ ઓછા લાભ આપે છે. આ સાથે ફોટોમાં ગુજરાત સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી રિપોર્ટ જુન ૨૦૧૮ મુજબ,

(૦૧) ૩૫.૧૯ લાખ ખેડૂતો પાસે ૮૨,૦૭૫ કરોડ
(૦૨) એમએસએમઈના ૧૧.૨૨ લાખ ખાતામાં ૧,૦૪,૮૮૨ કરોડ
(૦૩) કોર્પોરેટ ક્ષેત્રના ૮.૩૯ લાખ ખાતાઓમાં ૧,૬૦,૧૩૨ કરોડ
(૦૪) નાના વેપારીઓ અને વ્યવસાય કરનારાઓને આપેલ પર્સનલ લોન પેટે ૧,૪૦,૦૮૪ કરોડ

ખેડૂતો કરતા કોર્પોરેટ ક્ષેત્ર પાસે લગભગ બમણી રકમ આઉટસ્ટેન્ડિંગ બોલે છે. પરંતુ તેની સામે કોર્પોરેટ ક્ષેત્ર હજારો લોકોને રોજગારી આપે છે તેને પણ ગણતરીમાં લેવું જોઈએ. એમએસએમઈના ૧૧.૨૨ લાખ ખાતામાં ૧,૦૪,૮૮૨ કરોડ બાકી નીકળે છે. આ ક્ષેત્ર પણ ખુબ મોટા પાયે રોજગારી આપે છે. નાના વેપારીઓ અને વ્યવસાય કરનારાઓને આપેલ પર્સનલ લોન પેટે ૧,૪૦,૦૮૪ કરોડ એટલે કે લગભગ કોર્પોરેટ ક્ષેત્ર જેટલી જ રકમ બાકી નીકળે છે. પરંતુ આ રકમ જે તે પરિવારને પગભર કરવા માટે આપેલ છે એટલે તેનું મુલ્ય બહુ જ છે.

માત્ર ૨૦% રકમ જ માફ કરવામાં આવે તો તે રકમ પણ ૧૬,૪૦૦ કરોડ જેટલી થાય છે. શું ગુજરાત સરકારનું બજેટ આ ભાર ખમી શકશે? જો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો નાના વેપારીઓ અને વ્યવસાય કરનારાઓનો શું વાંક? તેઓના પણ જો ૨૦% દેવા માફ કરવામાં આવે તો તે રકમ ૨૮,૦૦૦ કરોડ જેટલી થાય છે. આ તો “કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના” જેવી માંગણીઓ છે કે જેને અમલમાં લાવવી શક્ય જ નથી.

દેવા માફી જેવા સસ્તી લોકપ્રિયતા અપાવતા પગલાં સરવાળે રાજ્યના અર્થતંત્રને નુકશાન પહોંચાડે છે. તેને બદલે “ભાવાંતર યોજના”, ખેતી આધારિત ઉદ્યોગો શરુ કરવા જેવા રચનાત્મક પગલાં ભરવા માટે સત્તાધારી પક્ષને મજબુર કરવો તે જ ગુજરાત કોંગ્રેસ માટે સાચી દિશાનું પગલું હશે.

આ તો ચૂંટણી આવી રહી છે એટલે ગરીબ અને અભણ ખેડૂતોને “હથેળીમાં ચાંદ” બતાવવાની વાતો છે. કોંગ્રેસ સત્તા ઉપર આવે ને તો પણ ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ ન કરી શકે. ભાજપ હોય કે કોંગ્રેસ – વિરોધ પક્ષ તરીકે જે કરે તે પરંતુ જયારે સત્તા ઉપર આવે ત્યારે સંપૂર્ણ દેવા માફી જેવા સસ્તી લોકપ્રિયતા મેળવવાના પગલાઓ ભરી શકતા નથી એ દીવા જેવી સ્પષ્ટ અને નક્કર હકીકત છે.

(લેખક જયેશ શાહ ગુજરાતના નામાંકિત રિસર્ચ સ્કોલર છે.)

About the author

Editor

Featured