Gujarat

ઊંઝા તાલુકાના જગાન્નાથપુરા ગામે મહિલાઓએ માટલા ફોડી શુ આપી ચીમકી ? જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ઉનાળો આવતાની સાથે જ સમગ્ર રાજ્યમાં પાણી પાણીના પોકારો શરૂ થયા છે ત્યારે કેટલાક ઠેકાણે પાણીનો વ્યય પણ થઈ રહ્યો છે, જેના સમાચાર અવારનવાર મીડિયામાં આવ્યા કરે છે તો કેટલાક ઠેકાણે પાણી મુદ્દે ‘એક ને ગોળ અને બીજાને ખોળ’ જેવો ઘાટ પણ કરાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેને લઇને રાજ્યમાં પાણીનો મુદ્દો વધારે વિકટ પરિસ્થિતિ સર્જી રહ્યો છે.

ઊંઝા વિસ્તારમાં કેટલાક ઠેકાણે પાણી નો બગાડ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યો છે પરંતુ એની સામે પગલાં લેવા માટે તંત્ર લાચાર છે ખબર નહીં કોણ જાણે કેમ તંત્રના હાથ કોના લીધે બંધાયેલા છે ત્યારે ઊંઝા તાલુકાના જગનાથપુરા ગામમાં પાણી મુદ્દે મહિલાઓએ આજે માટલા ફોડીને પંચાયત સામે વિરોધ નોંધાવ્યો હતો જેની પાછળનું મહત્વનું કારણ એ હતું કે અમુક વિસ્તારોમાં પાણી વધારે પડતું આપવામાં આવે છે જ્યાં પાણીનો વ્યય થઈ રહ્યો છે તો તેમના વિસ્તારમાં પાણી માત્ર અડધો કલાક જેટલું જ આપવામાં આવી રહ્યું છે જેને લીધે તેમના અનેક કામો અટકી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઊંઝા તાલુકાના જગનાથપુરા ગામે શાળાની બાજુમાં આવેલા પરા વિસ્તારમાં આજે મહિલાઓએ માટલા ફોડી અને પંચાયત સામે વિરોધ નોંધાવ્યો હતો. કારણકે પંચાયતમાં સરપંચ ને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આ વિસ્તારમાં પૂરતું પાણી આપવામાં આવતું નથી જેને લઇને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો તો બીજી બાજુ ગામના કેટલાક વિસ્તારોમાં પાણી વેડફાઇ રહ્યાનું પણ મહિલાઓએ જણાવ્યું હતું સાથે તેમણે એમ પણ જણાવ્યું કે જો આ સમસ્યા નહીં ઉકેલાય તો આગામી સમયમાં તાલુકા પંચાયતમાં જઈને માટલા ફોડવાનો કાર્યક્રમ ઘડવામાં આવશે. ત્યારે હવે આ માટલા યુદ્ધ આગળ જતાં કેવું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું !!!