EDUCATION Gujarat

એમ.એસ.યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓને પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ, જાણો સમગ્ર ઘટના

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : MSU(મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી)માં હંગામી પટાવાળા શર્ટની અંદર ગડી વાળીને વિદ્યાર્થીઓની પુરવણી સંતાડીને એસેસમેન્ટ સેલમાંથી બહાર લઇ જઇ,પેપર લખાવીને પરત કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. એક ક્લાસની પુરવણી બીજા ક્લાસના બંડલમાંથી વારંવાર મળતા એસેસમેન્ટ કો-ઓર્ડિનેટરે સિક્યુરિટી સ્ટાફ સાથે મળીને વોચ ગોઠવી હતી અને ત્રણેય પટાવાળાને રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. 21 વિદ્યાર્થીઓની પુરવણી બહાર લઇ ગયા હોવાનું બહાર આવતા તમામ વિદ્યાર્થીઓને બરતરફ કરાશે. એક પુરવણીનો ભાવ 900 રૂપિયા રાખ્યો હતો પુરવણી બહાર લઇ ફરી લખાવીને મુકવા માટે એક પુરવણી દિઠ 900 રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, પેપર ચકાસણીની કામગીરી શરૂ થતાની સાથે હંગામી પટાવાળા તરીકે ચિરાગ ગંગારામ, અંકિત કણસે, અશ્વિન કુંવર સિંહની ભરતી કરવામાં આવી હતી. આ ત્રણેય શખ્સો પેપર ચકાસણીની કામગીરી બાદ બંડલમાંથી પેપર કાઢીને બહાર લઇ જતા હતા અને રાત્રે પુરવણી વિદ્યાર્થીઓને આપીને તેમાં બાકીના જવાબ લખાવવામાં આવતા હતા. ત્યાર બાદ શર્ટમાં પુરવણી ગડી વાળીને ફરીથી એસેસમેન્ટ સેલમાં મુકી દેવામાં આવતી હતી. એક મહિનાથી પુરવણી બહાર લઇ જતા આ ત્રણેય પટાવાળા હોસ્ટેલ કેમ્પસમાં અવેલી જુની ચાલીમાં રહેતા હતા અને તેઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જ પુરવણી આપવાની શરૂઆાત કરી હતી.

હોસ્ટેલ કેમ્પસ સહિત બહારના મળીને આર્ટસ ફેકલ્ટીના 21 જેટલા વિદ્યાર્થીઓના પુરવણી બહાર લઇ જઇને લખાણ લખાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. સતત એક મહિનાથી પુરવણી બહાર લઇ જતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેને પગલે યુનિવર્સિટી તંત્ર દ્વારા તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.સુત્રો ના જણાવ્યા પ્રમાણે કૌભાંડમાં સંડોવાયેલા હંગામી પટાવાળા ના પિતા પણ યુનિવર્સિટીમાં હંગામી ધોરણે પટાવાળા તરીકે કામ કરી રહ્યા છે. કૌભાંડની જાણ હોવાછતાં યુનિ.ને અંધારામાં રાખતા તેમને નોકરીમાંથી હકાલપટ્ટી કરવામાં આવશે. તેની સાથે ત્રણ વર્ષથી વધુ સમયથી હંગામી પટાવાળા તરીકે ફરજ બજાવતા તમામને કાઢી મુકવા અંગે વિચારણા ચાલી રહી છે.

About the author

Editor