Editorial Gujarat Politics

પોસ્ટરમાં જીતુ વાઘણીના ફોટોને લઈ ભાજપમાં ભડકો, સોશ્યલ મીડિયામાં સમર્થકોમાં શાબ્દિક ઘર્ષણ

મો.ન્યુ.ફો.નેટવર્ક : રૂપિયા ૮૦૦ કરોડના ખર્ચે નારી- પીપળી નેશનલ હાઈવે વિસ્તૃતિકરણના ખાતમૂહૂર્ત માટે રવિવારે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ ભાવનગર આવવાના હોઇ તેમનાં સ્વાગત માટે ભાવનગરમાં લગાવેલા પૉસ્ટરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની પૂર્ણ કદની વિશાળ તસ્વીર સામે ઉપરાષ્ટ્રપતિ, રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની અડધી અને નાની તસ્વીરોથી ભાજપમાં વિવાદ થયો છે. આ પૉસ્ટર ભાવનગરમાં લગાવવામાં આવ્યા છે જેમાં પૉસ્ટરમાં વાઘાણીનું પિક્ચર મોદી-નાયડુ કરતાં પણ મોટુ દેખાતા રાજકીય વિવાદ ઉઠ્યો છે.

એટલું જ નહી આ પૉસ્ટરમાં યૂનિયન મિનિસ્ટર મનસુખ માંડવિયાની તસ્વીર અસ્પષ્ટ દેખાય છે,જેને લઇ ભાજપમાં ભડકો થયો છે.સોશ્યલ મીડિયામાં માંડવીયા અને વાઘાણીના સમર્થક કાર્યકરો વચ્ચે શાબ્દિક ઘર્ષણ ચાલુ થયું છે. સોશ્યલ મીડિયા પર અનેક કાર્યકરો રોષ ઠાલવી રહ્યા છે.ટેકેદારોની કહેવા મુજબ માંડવિયા પણ ભાવનગરના છે અને ભારત સરકારમાં હાઈવે મંત્રાલયના મંત્રી છે. આથી, ખાસ કિસ્સામાં ભારત સરકારે નારી- પીપળી હાઈવે માટે રૂપિયા ૮૦૦ કરોડ મંજૂર કર્યા છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, વૈંકેયા નાયડુ ભારતના ઉપરાષ્ટ્રપતિ છે. ભાજપમાંથી રાજીનામું આપીને આ બંધારણીય પદ ધારણ કર્યું છે. ભાવનગરનો કાર્યક્રમ સરકારી છે. આમ છતાંય ભાજપના પૉસ્ટરમાં પ્રદેશ અધ્યક્ષની પૂર્ણકદની તસ્વીર સાથે ઉપરાષ્ટ્રપતિનો અડધો ફોટો છે.  પૉસ્ટરમાં સ્પેલિંગ પણ ભૂલ ભરેલા છે. જે પ્રોટોકોલ, ગણતંત્ર ભારતના બંધારણીય પદની ગરિમાને હનનકર્તા છે.