Editorial National Politics

2019 માં જંગ જીતવા 1 કરોડ જેટલી નવી NRI ‘ વોટર બેંક’ માટે મોદી સરકાર લાવી છે ખાસ બિલ, જાણો સમગ્ર હકીકત

મો.ન્યુ.ફો.નેટવર્ક : PM બન્યા બાદ મોદીએ 54 થી વધારે દેશોની મુલાકાત લીધી છે. તેમણે જેટલા દેશોનો પ્રવાસ કર્યો છે ત્યાં લગભગ એક કરોડ NRI રહે છે. વડાપ્રધાન પોતાના વિદેશ પ્રવાસમાં મોટાભાગે NRIને સંબોધિત કરે છે. જે દેશોમાં મોટા પ્રમાણમાં NRI રહે છે, ત્યાં મોદીએ મેગા શૉ કર્યા છે.મોદીએ અમેરિકામાં ન્યૂ યોર્કથી લઈને બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પ્રવાસી ભારતીયો અને ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા.

જૂલાઈમાં 3 આફ્રિકન દેશોના પ્રવાસ દરમિયાન પણ તેમણે ભારતીયોને સંબોધિત કર્યા હતા. ખાડી દેશોમાં પણ મોટા પ્રમાણમાં ભારતીયો રહે છે. આ સંબોધનોમાં વડાપ્રધાન મોદી આ વાત ભારપૂર્વક કહે છે કે, વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે.વડાપ્રધાન વિદેશ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રવાદ અને ભારતીય અસ્મિતાનો ઉલ્લેખ કરીને NRIs સાથે કનેક્ટ કરે છે.

ત્યારે હવે વોટર લિસ્ટમાં શામેલ NRI પોતાના મતક્ષેત્રમાં કોઈ પણ પાર્ટીને પોતાનો કિંમતી મત આપી શકે તે માટે મોદી સરકારે રેપ્રિઝેન્ટેશન ઓફ ધ પીપલ (અમેન્ડમેન્ટ) બિલ, 2017 બિલ મૂક્યું છે જેના પર લોકસભાએ પર મહોર લગાવી દીધી છે. આ બિલમાં NRIને વોટ આપવા પર મંજૂરી આપવામાં આવી છે.

આમ, મોદીની નજર એક કરોડથી વધારે NRI વોટ પર છે. બિલને લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. બન્ને ગૃહમાંથી પાસ થયા પછી રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી બિલ કાયદો બની શકશે.દેશના કુલ 543 લોકસભા ક્ષેત્રોમાં લગભગ 1.1 કરોડ NRI વોટ છે. એટલે કે કહી શકાય કે દરેક લોકસભા ક્ષેત્રમાં સરેરાશ 21000 વોટ. જો આ વોટ કોઈ એક પાર્ટીને મળે તો ચૂંટણીના પરિણામને અસર પડી શકે છે. આ NRI ભારતમાં પોતાના પરિવારને પણ પ્રભાવિત કરી શકે છે. આજકાલ જે રીતે દરેક ઈલેક્શનમાં જીતનું અંતર ઘટી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને વોટર્સનો આ આંકડો ઘણો નિર્ણયાક સાબિત થઈ શકે છે.