Editorial Gujarat National Politics

શુ ખરેખર મોદી સરકાર 1 થી 18 વર્ષની છોકરીઓને 10 હજારનો ચેક આપી રહી છે? જાણો વાયરલ મેસેજનું સત્ય

મો.ન્યુ.ફો.નેટવર્ક : વોટ્સએપ પર PM મોદી ના ફોટો સાથે ઍક મેસેજ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં લખ્યું છે કે પીએમ મોદીની સુકન્યા યોજના મુજબ 1 થી 18 વર્ષની તમામ દીકરીઓને 10 હજારનો ચેક આપવામાં આવી રહ્યો છે.વાઈરલ મેસેજમાં PM મોદીનો એક ફોટોગ્રાફ છે, જેના પર ત્રણ મેસેજ લખેલા છે. પહેલો ‘બેટી બચાવો , બેટી પઢાવો’ અને બીજો ‘પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના’. આ ઉપરાંત ત્રીજા મેસેજમાં લખેલું છે કે, ‘પ્રધાનમંત્રી દ્વારા 1 થી 18 વર્ષની દીકરીઓને નિઃશુલ્ક 10 હજાર રૂપિયાનો ચેક આપવામાં આવી રહ્યો છે. દીકરીઓના ભવિષ્ય માટે આ યોજનાને ચાલું કરવામાં આવી છે. અરજી કરવા માટેની અંતિમ તારીખ 15 ઓગસ્ટ છે તો જલદી કરો અને આ મેસેજને તમારા મિત્રોને મોકલો કે જેથી તેમને આ યોજનાનો લાભ મળી શકે’

આ ઉપરાંત PM મોદી ના ફોટો વાળા આ વાઈરલ મેસેજમાં રજિસ્ટ્રેશન લિંક અને URLમાં gov.in લખેલું જોવા મળી રહ્યું છે. આ મેસેજ સાચો છે કે ખોટો તે જાણવા માટે ફેક્ટ ચેકર વેબસાઈટ www.smhoaxslayer.com પર આ વાઈરલ મેસેજની તપાસ કરી તો પરિણામ કંઈક અલગ જ સામે આવ્યા.વાઈરલ મેસેજની તપાસ કરવામાં આવી તો તે લિંક પર ક્લિક કરતા તેમાંથી એક વેબસાઈટનું પેજ ખુલે છે. જેમાં કેટલીક માહિતી માંગવામાં આવી છે. જેમ કે ‘કન્યાનું નામ’, ‘અરજદારનું નામ’, ‘ઉંમર’, ‘રાજ્ય’ની માહિતી માંગવામાં આવી છે. મહત્વની બાબતએ છે કે આ માહિતી સિવાય ના તો એડ્રેસ, ના મોબાઈલ નંબર, કે ઈમેઈલ એડ્રેસ પણ માંગવામાં આવ્યું નથી. તો સવાલ એ ઉઠે છે કે આ યોજનાનો લાભ તમારી સુધી કેવી રીતે પહોંચશે.

આ ઉપરાંત,વેબસાઈટની ચેકિંગ દરમિયાન સૌથી નીચે ખૂણામાં નાના ફ્રોન્ટમાં About Usનું ઓપ્શન આપવામાં આવ્યું છે, જેના પર ક્લિક કરતા એક નવું પેજ ઓપન થાય છે. આ પેજ પર સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે કે, ‘આ વેબસાઈટ ભારત સરકાર સાથે જોડાયેલી નથી અને અમે તમારી કોઈ પણ પ્રકારની માહિતી સંગ્રહ કરતા નથી. આ વેબસાઈટ બનાવવાનો અમારો ઉદ્દેશ લોકોને આ યોજના પ્રતિ જાગૃત કરવાનો છે.’

વેબસાઈટ પર માંગેલી માહિતી સબમિટ થઈ જાય છે. પરંતુ વેરિફિકેશન માટે આ મેસેજને 10 અન્ય વોટ્સએપ ગ્રુપમાં શેર કરવા માટે કહેવામાં આવે છે. જેમાંથી ઓછામાં ઓછા 5-10 લોકો આ મેસેજને સાચો માની ક્લિક કરશે અને તેઓ પણ તમારી જેમ માહિતી આપશે તો આ રીતે આ આંકડો થોડા કલાકોમાં લાખો સુધી પહોંચી જાય છે. ફ્રી અથવા સસ્તા આપવાની લાલચ આપીને આ લોકો વધારેને વધારે લોકોને વેબસાઈટની લિંક પર ક્લિક કરાવે છે. વેબસાઈટ પર વધારે હિટ આવવાથી ગૂગલ એડસેંસ દ્વારા વેબસાઈટને જાહેરાત મળે છે. જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરે છે.