અનાજ દળવાની ઘંટીથી લઈ CM સુધીની સફર : કેશુબાપાએ ડોન લતીફને તેના હોમગ્રાઉન્ડમાં જઇ પડકાર્યો હતો

0
1294

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું આજે 92ની વયે નિધન થયું છે. બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. માત્ર એટલું નહીં તેમણે અમદાવાદના ડોન લતિફના તેના હોમગ્રાઉન્ડ એવી પોપટીયાવાડમાં જઈ પડકાર્યો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો છે. વર્ષ 1943માં નિર્માણ પામેલા મચ્છુ 1 ડેમના ચણતરકામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા. જ્યારે અંગત જીવનમાં પણ તેઓને આઘાત પચાવી ગયા છે. પહેલા પત્ની અને છેલ્લા ત્રણ વર્ષમાં બે દીકરા પણ ગુમાવ્યા છે.

લતિફના ગઢ એવી પોપટીયાવાડ પોલીસ પણ દરોડા પાડી શક્તી નહોતી અને બિનમુસ્લિમ તે વિસ્તારમાં પ્રવેશવાની હિંમત કરતા નહોતા. પરંતુ લોકોના મનમાંથી લતીફનો ડર દૂર કરવા ભાજપે પોપટિયાવાડમાં જ લોકદરબાર યોજવાનું નક્કી કર્યું હતું. કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિશ્વાસમાં લઈને ભાજપે કેશુભાઈની હાજરીમાં પોપટિયાવાડમાં લોકદરબાર યોજ્યો અને તેને ખૂબ સફળતા મળી હતી. અહીંથી ભાજપને ચૂંટણીનો મુદ્દો મળ્યો અને 1995ની ચૂંટણીઓ લતિફને ગુંડાગીરી અને આતંકનો એક ચહેરો બનાવી ભાજપે કોંગ્રેસ સામે આક્રમક પ્રચાર કર્યો હતો.