Humanity Lifestyle Personality

કલિયુગના શ્રવણ / અંધ માતાને ખભા પર ઊંચકીને 37 હજાર કિમીની યાત્રા કરાવી, વાંચો સમગ્ર અહેવાલ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : આજના કલિયુગમાં પૈસા આપી ટ્રાવેલ્સ કે પોતાના ખાનગી વાહનો માં તો ઘણા દીકરાઓ પોતાના માતા પિતા ને જાત્રા કરાવતા હશે પણ શ્રવણ ની જેમ કાવડ પર ખભે ઊંચકી માતા પિતા ને યાત્રા કરાવે એવા દિકરા મળવા મુશ્કેલ છે,ત્યારે તાજેતરમાં આવા ઍક કલિયુગ ના શ્રવણ નો કિસ્સો બહાર આવ્યો છે,જેમાં ઍક દીકરાએ પોતાની માતાને કાવડ માં બેસાડી 37000 કિલોમીટર ની યાત્રા કરાવી છે. આ શ્રવણ એટલે મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા કૈલાશ ગિરી બ્રહ્મચારી.

મળતી માહીતી મુજબ, લગભગ 20 વર્ષ પહેલા કૈલાશ ગિરીની 92 વર્ષ ની માતાએ ચારધામ યાત્રાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન 25 વર્ષના પુત્ર કૈલાશ ગિરીએ નેત્રહીન માતાની આ ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમને ખભા (ડોલીની મદદથી) પર ઊંચકીને ચારધામની યાત્રા પર નીકળી પડ્યા હતા. કૈલાશ ગિરી અત્યારસુધી તેમની વૃધ્ધ માતાને ખભા પર ઊંચકીને 37,000 કિલોમીટરની ચાલીને યાત્રા કરી ચૂક્યા છે.

આ સફર દરમિયાન કૈલાશ ગિરી લોકો દ્વારા કરવામાં આવેલા દાન થકી ખાવાનું બનાવતા હતા અને પોતાના હાથ વડે માતાને જમાડતા હતા. તેઓ દરરોજ તેમની માતાને ખભા પર ઊંચકીને 5થી 6 કિલોમીટરની સફર કરતા હતા. ખૂબ તડકો હોય ત્યારે તેઓ મંદિરમાં રોકાઈને આરામ કરતા હતા.

એક ઈન્ટરવ્યૂમાં કૈલાશ ગિરીએ કહ્યું કે આ દુનિયામાં મારી માતા સિવાય મારું કોઈ નથી. જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. હવે મારા ભાઈ-બહેન પણ આ દુનિયામાં નથી.કૈલાશ ગિરી તેમની માતાને અત્યારસુધી ચારધામ સહિત ગંગાસાગર, તિરુપતિ બાલાજી, ઋષિકેશ, હરિદ્વાર, કેદારનાથ, અયોધ્યા, ચિત્રકૂટ, પુષ્કર અને પ્રયાગરાજ જેવા પવિત્ર સ્થળોની યાત્રા કરાવી ચૂક્યા છે. 20 વર્ષ બાદ તેઓ તેમના શહેર જબલપુર પરત ફર્યા છે.

Tags