Editorial National Personality Politics

કારગિલ યુદ્ધનો આ સૈનિક ગરીબીમાં ગુજારે છે જીવન નિર્વાહ, નથી મળ્યા સરકારના લાભ

મો.ન્યુ.ફો.નેટવર્ક : સરકાર દ્વારા કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા અધિકારીઓ, સૈનિકોની પત્નીઓ તથા ઘાયલ અધિકારીઓ-સૈનિકોને તાત્કાલિક સહાયરૂપે પેટ્રોલપંપ અને ખેતીની જમીન આપવાની ઘોષણા કરાઇ હતી. ત્યારે આવો જ ઍક સૈનિક  લાન્સ નાયક સતવીર સિંહ કે જે દિલ્હીનો મુખમેલપુર ગામના રહેવાસી છે કે જેને હજુ સુધી પેન્શન સિવાય કાંઇ જ મળ્યું નથી. નથી મળ્યો પેટ્રોલ પમ્પ કે નથી મળી જમીન.જેને કારણે સતવીર હાલમાં માત્ર ઍક જયૂશ ની દુકાન ચલાવવા મજબૂર બન્યો છે.

સતવીર સિંહ કારગિલ યુદ્ધમાં લડેલા દિલ્હીના એકમાત્ર જવાન છે. કારગિલ યુદ્ધના 19 વર્ષ બાદ પણ દુશ્મનની એક ગોળી હજુય તેમના પગમાં છે, જેના કારણે તેમણે કાખઘોડીની મદદથી ચાલવું પડે છે. સરહદે દુશ્મનો સામેની લડાઇ જીતી ચૂકેલા વીર સતવીરને તેમના દેશે હરાવી દીધા. 1999ની 13 જૂને કારગિલના તોલોલિંગ પર્વત પર દુશ્મનોએ 15 મીટર દૂરથી હુમલો કર્યો ત્યારે સતવીર 9 જવાનોની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમણે હેન્ડ ગ્રેનેડ ફેંક્યો અને દુશ્મનના 7 સૈનિક માર્યા ગયા.

જો કે આ યુદ્ધમાં સતવીરને તથા અન્ય જવાનોને કવર મળી રહ્યું હતું પણ 7 જવાન શહીદ થઇ ગયા. સતવીરને પણ ઘણી ગોળીઓ વાગી. 17 કલાક સુધી ત્યાં જ પડ્યા રહ્યા. 3 વખત હેલિકોપ્ટર લેવા આવ્યું પણ દુશ્મનના ફાયરિંગના કારણે લેન્ડિંગ ન થઇ શક્યું. બાદમાં સાથી સૈનિકો તેમને ઊંચકીને લઇ ગયા. એર બસથી શ્રીનગર લવાયા. 9 દિવસ ત્યાં સારવાર બાદ દિલ્હી શિફ્ટ કરાયા.

જો કે સરહદે દુશ્મનો સામેની લડાઇ જીતી ચૂકેલા વીર સતવીરને તેમના દેશે હરાવી દીધા. તેમને પેટ્રોલપંપની ફાળવણીની પ્રક્રિયા પણ પૂરી થઇ પરંતુ પેટ્રોલપંપ મળ્યો નહીં. 5 વીઘા જમીન મળી, જેના પર સતવીરે ફળોનો બાગ બનાવ્યો. 3 વર્ષ અગાઉ તે પણ પરત લઇ લેવાયો. નાણાભીડના કારણે 2 પુત્રોનો અભ્યાસ છૂટી ગયો. હવે તેઓ પેન્શનના પૈસાથી તેમ જ જ્યૂસની દુકાન ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે.